અમદાવાદના નોર્થ બોપલ વિસ્તારમાં આવેલી ગાર્ડન પેરેડાઇઝ સોસાયટી સહિતની આસપાસની સોસાયટીઓના રહીશો છેલ્લા ચાર દિવસથી ભયના માહોલમાં જીવી રહ્યા છે. ત્રણ દિવસ પહેલા મધ્યરાત્રીએ આ વિસ્તારમાં ચડ્ડી-બનિયાન પહેરેલા ત્રણ શખ્સો દ્વારા લૂંટનો પ્રયાસ થયો હતો.
રહીશોના જણાવ્યા મુજબ, આ શખ્સો હથિયારો સાથે સીસીટીવીમાં કેદ થયા હતા. તેઓએ ગાર્ડન પેરેડાઇઝ સોસાયટીના એક બંધ ફ્લેટને નિશાન બનાવ્યો હતો. આ સિવાય આસપાસની અન્ય સોસાયટીઓમાં પણ તેમણે ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો.
ગાર્ડન પેરેડાઇઝ સોસાયટીમાં લગભગ 18 બ્લોક અને 360 ફ્લેટ છે. રહીશોએ જણાવ્યું કે સોસાયટીના 11 વર્ષના ઇતિહાસમાં આ પ્રકારની આ પહેલી ઘટના છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને રહીશોએ પોલીસ પેટ્રોલિંગ વધારવા અને વિસ્તારમાં સુરક્ષિત વાતાવરણ ઊભું કરવાની માંગ કરી છે.