અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં ગુરુવારે રાત્રે આશરે ૯:૩૦ વાગ્યે એક લક્ઝુરિયસ ફોર્ચ્યુનર કાર (નંબર GJ18EF4060)એ ફૂટપાથ પર બેસીને ચણિયાચોળી વેચતા શ્રમિક પરિવારોને કચડી નાખ્યા હતા. આ ઘટનામાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી સારવાર દરમિયાન બેના મોત થયા છે.
'આઈ' ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.આઈ. સુમરાએ જણાવ્યું કે, અક્ષર હોસ્પિટલ અને દેવસ્ય સ્કૂલ નજીક ફૂટપાથ પર લોકો આરામ કરી રહ્યા હતા ત્યારે નાના ચિલોડા ખાતે રહેતો ૩૬ વર્ષીય વિરલ સવજીભાઈ ચૌધરી પોતાની ફોર્ચ્યુનર કાર લઈને પૂરપાટ ઝડપે આવ્યો અને ફૂટપાથ પર ચઢી ગયો. કારની ટક્કરથી એક યુવક કારના બોનેટ અને દીવાલ વચ્ચે ભીંસાઈ ગયો હતો.
મૃતકોમાં પૂનમબેન જીતેન્દ્રભાઈ નગવાડિયા અને તેમનો ૧૫ વર્ષીય પુત્ર સાગર જીતેન્દ્રભાઈ નગવાડિયાનો સમાવેશ થાય છે. અન્ય બે ઇજાગ્રસ્તોમાં કાર્તિકભાઈ અને એક અજાણી મહિલાને હાલ સારવાર હેઠળ છે.
ઘટના બાદ સ્થાનિક લોકોએ ભાગવાનો પ્રયાસ કરી રહેલા ચાલકને ઝડપી પાડીને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે કારની ઝડતી લેતાં તેમાંથી બિયરનાં બે ટીન મળી આવ્યાં હતાં. ચાલકને નશાની ચકાસણી અને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ ૧૦૫ (સાપરાધ મનુષ્યવધ) તથા મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ જ ફોર્ચ્યુનર કાર ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ એસ.પી. રિંગ રોડ પર ઓવરસ્પીડિંગ બદલ ટ્રાફિક પોલીસ દ્વારા ઈ-મેમો ફટકારવામાં આવ્યો હતો.