અમદાવાદના નિકોલ વિસ્તારમાં સોમવારે (2 નવેમ્બર) રાત્રે દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે એક કારે રસ્તાની બાજુમાં ફૂટપાથ પર પથારીમાં સૂતેલા લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે, જ્યારે બે લોકોને ગંભીર ઈજાઓ થઈ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા મુજબ, શેલબી હોસ્પિટલથી નિકોલ ડીમાર્ટ તરફ જતા રસ્તા પર કારચાલકે ઝડપ વધારે રાખી હતી અને કાર કાબૂમાં ન રહેતાં તે રસ્તા કિનારે સૂતેલા લોકો સુધી પહોંચી ગઈ હતી.
'I' ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું કે, ફૂટપાથ પર સૂતેલા લોકોને ફોર્ચ્યુનર કારના ચાલકે અડફેટે લીધા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા. પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.
પોલીસે કારચાલક વિરલ સવજીભાઈ ચૌધરી (36 વર્ષ, રહે. નાના ચિલોડા, અમદાવાદ)ને કસ્ટડીમાં લીધા છે. કારમાંથી બિયરની બોટલો મળી આવતાં પોલીસે આરોપીએ નશાકારક પદાર્થનું સેવન કર્યું હતું કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરી છે. આ માટે આરોપીને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યો છે. આગળની તપાસ પોલીસ ચલાવી રહી છે.