સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના નિકોલમાં કેક પર લાલ ક્રીમ ન મળતાં ગ્રાહકે કર્મચારીને માર્યો, સોશિયલ મીડિયા ફોલોઅર્સનો રોફ

અમદાવાદના નિકોલમાં કેક પર લાલ ક્રીમ ન મળતાં ગ્રાહકે કર્મચારીને માર્યો, સોશિયલ મીડિયા ફોલોઅર્સનો રોફ

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી એક કેકની દુકાનમાં ગ્રાહકે કર્મચારી સાથે ગાળાગાળી અને મારામારી કર્યાની ઘટના સામે આવી છે. આ બનાવનું CCTV ફૂટેજ પણ સામે આવ્યું છે. આ મામલે ભોગ બનનાર કર્મચારીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ન્યુ મણીનગરમાં રહેતા 28 વર્ષીય શિવશંકર પનિરસેલ્વમ મુદલીયા નિકોલમાં રાજહંસ સિનેમા નીચે આવેલા પવેલિયન મોલમાં 'ડેન્ગી ડમ્સ' નામની કેકની દુકાનમાં નોકરી કરે છે. ગત 6 ઓક્ટોબરની રાત્રે લગભગ 12 વાગ્યે તેઓ દુકાનમાં હાજર હતા ત્યારે રાજ શાહ નામનો શખ્સ અન્ય લોકો સાથે કેક લેવા આવ્યો હતો.

કર્મચારીએ તેમને સફેદ અક્ષરે નામ લખેલી કેક આપી હતી, પરંતુ ગ્રાહકે લાલ અક્ષરે નામ લખી આપવાની માંગ કરી. દુકાનમાં લાલ રંગની ક્રીમ ઉપલબ્ધ ન હોવાનું જણાવતાં રાજ શાહ અને તેની સાથે આવેલા લોકો ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે કર્મચારી સાથે બોલાચાલી કરી, ગાળાગાળી કરી અને ઝપાઝપી કરી હોવાનો આરોપ છે.

ભોગ બનનારના જણાવ્યા અનુસાર, રાજ શાહ તેના સાથીઓને કહેતો હતો કે, 'આ મેનેજરને સમજાવો કે હું કોણ છું અને મારા સોશિયલ મીડિયા પર કેટલા ફોલોઅર્સ છે.'

આ અંગે કંપનીના ઓપરેશનલ મેનેજર પ્રદ્યુમન સોલંકીએ જણાવ્યું કે, "ગઈકાલે રાત્રે ચારથી છ જણા અમારી નિકોલ બ્રાન્ચ પર કેક લેવા આવ્યા હતા. તેમણે કેક પસંદ કરીને લાલ અક્ષરે નામ લખવા કહ્યું, પરંતુ કંપનીની પોલિસી મુજબ ચોકલેટ કેક પર ફક્ત વ્હાઇટ ક્રીમ જ ઉપલબ્ધ હોય છે. અમારા સ્ટોર મેનેજરે વ્હાઇટ ક્રીમથી લખી આપવાની વાત કરી અને અન્ય કોઈ સૂચન કે ફીડબેક હોય તો કંપનીને જણાવવા કહ્યું. આ સાંભળીને તે લોકોએ ગાળાગાળી ચાલુ કરી દીધી. અમારા સ્ટાફે ગાળો બોલવાની ના પાડતાં રાજ શાહે મેનેજરને મારવાનું શરૂ કર્યું."

સોલંકીએ વધુમાં જણાવ્યું કે, "તેમણે કુલ ત્રણ વખત મારામારી કરી, જેમાંથી બે વખતનો બનાવ CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે. રાજે મેનેજરનો હાથ પકડીને અંદર ખેંચીને માર્યો હતો અને બાદમાં બ્લેક ટીશર્ટ પહેરેલા વ્યક્તિએ પણ મારામારી કરી હતી. CCTVમાં પાંચથી છ અલગ-અલગ એંગલથી આખું દ્રશ્ય રેકોર્ડ થયેલું છે. અમારા મેનેજરે સામે ગાળ આપી હોવાની વાત તદ્દન ખોટી છે અને શરૂઆત તે લોકોએ જ કરી હતી. આ બાબતે અમારું કોઈ પણ પ્રકારનું સેટલમેન્ટ થયું નથી. કંપની પોતાના સ્ટોર મેનેજરની સાથે ઊભી છે અને આજે આ અંગે નિકોલ પોલીસ સ્ટેશનમાં અરજી આપીને કાનૂની કાર્યવાહી હાથ ધરી છે."

ભોગ બનનાર કર્મચારી શિવશંકર પનિરસેલ્વમ મુદલિયાએ જણાવ્યું કે, "હું છેલ્લા 10 વર્ષથી સેલ્સમેન તરીકે કામ કરી રહ્યો છું અને ગ્રાહક સાથે હંમેશા નમ્રતાપૂર્વક વર્તવાની કંપનીની તાલીમનું જ પાલન કરું છું. આ આખો બનાવ કેક પર નામ લખવાની બાબતે શરૂ થયો હતો, જેમાં ગ્રાહક રાજ શાહે મારી સાથે દુર્વ્યવહાર કર્યો."

પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.