સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના નિકોલમાં બિલ્ડર સામે ખોટા સોગંદનામાનો ગુનો, કરોડોની જમીન પર બની ગયા એપાર્ટમેન્ટ

અમદાવાદના નિકોલમાં બિલ્ડર સામે ખોટા સોગંદનામાનો ગુનો, કરોડોની જમીન પર બની ગયા એપાર્ટમેન્ટ

અમદાવાદના નિકોલ વિસ્તારમાં કરોડો રૂપિયાની જમીનને બિનખેતી (NA) કરવા માટે બિલ્ડર નિતીન પ્રજાપતિએ કલેક્ટર કચેરીમાં ખોટું સોગંદનામું રજૂ કર્યાની ફરિયાદ નિકોલ પોલીસ મથકે નોંધાઈ છે. આ ફરિયાદ સિટી ડેપ્યુટી કલેક્ટર રોનક પટેલે નોંધાવી છે.

ફરિયાદ મુજબ, સોલામાં આવેલા મલય વિદ્યા બંગ્લોઝમાં રહેતા નિતીન પ્રજાપતિએ સર્વે નંબર 460 અને 462(1)ની જમીન અંગે કલેક્ટર કચેરીમાં સોગંદનામું રજૂ કર્યું હતું. તેમાં તેમણે જણાવ્યું હતું કે જમીન તેમના કબજામાં છે અને તેનો કોઈ કેસ કોર્ટ કે સત્તામંડળમાં પેન્ડિંગ નથી.

આ મામલે ઓઢવના રહેવાસી એક વ્યક્તિએ અરજી કરીને જણાવ્યું હતું કે સોગંદનામું ખોટું છે. તેમણે સિવિલ કોર્ટમાં દાવો પેન્ડિંગ હોવાના પુરાવા પણ આપ્યા હતા. ચકાસણી દરમિયાન નિતીન પ્રજાપતિએ ખોટું સોગંદનામું રજૂ કર્યું હોવાનું સામે આવ્યું. તેમના વિરુદ્ધ સરકારી કચેરી અને અદાલતમાં ખોટા પુરાવા ઊભા કરવા તથા બનાવટી સોગંદનામું રજૂ કરવા અંગેનો ગુનો નોંધાયો છે.

આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે વિવાદાસ્પદ જમીન પર એપાર્ટમેન્ટની સ્કીમ બની ગઈ છે અને તેમાં 70 ટકાથી વધુ લોકો રહેવા આવી ગયા છે. જમીન પર કોર્ટમાં દાવો ચાલતો હોવાની વાત છુપાવીને બાંધકામ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આથી મકાન ખરીદનારાઓમાં ચિંતા વ્યાપી છે. પોલીસ તપાસમાં આ કેસમાં મોટા ખુલાસા થઈ શકે છે.