સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદની NIA કોર્ટમાં 10 વર્ષમાં 34માંથી માત્ર 4 કેસનો ચુકાદો, 30 પડતર

અમદાવાદની NIA કોર્ટમાં 10 વર્ષમાં 34માંથી માત્ર 4 કેસનો ચુકાદો, 30 પડતર

અમદાવાદમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ત્રણ સ્પેશિયલ કોર્ટ છે. આ કોર્ટમાં કુલ 34 કેસ છે. પરંતુ 10 વર્ષમાં માત્ર 4 કેસમાં ચુકાદો આવ્યો છે. 30 કેસ હજુ પડતર છે. રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલા આ કેસોમાં થયેલા વિલંબથી ન્યાયતંત્ર પર પ્રશ્નો ઊભા થાય છે.

આ કેસોમાં ભાજપના બે નેતાઓની ગોળી મારીને હત્યા કરવાના કેસથી લઈને મુંદ્રા પોર્ટના 21,000 કરોડ રૂપિયાના ડ્રગ્સ કેસ જેવા અતિ સંવેદનશીલ કેસોનો સમાવેશ થાય છે. આવા ગંભીર કેસોમાં 10 વર્ષ પછી પણ ચુકાદો ન આવ્યો હોવાથી ન્યાયમૂર્તિઓની કાર્યક્ષમતા અંગે શંકા ઉઠે છે.

સુપ્રીમ કોર્ટે NIAના કેસોની ઝડપી સુનાવણી અંગે મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા હતા. પરંતુ અમદાવાદની NIA કોર્ટમાં થયેલા વિલંબને કારણે આ નિર્દેશો કાગળ પર જ રહી ગયા હોવાનું જણાય છે. 34માંથી માત્ર 4 કેસમાં ચુકાદો આપનાર આ કોર્ટમાં હજુ 30 કેસ પડતર છે. તેમનો ચુકાદો ક્યારે આવશે તે મોટો પ્રશ્ન છે.

ગુજરાતમાં 2015માં અમદાવાદમાં પ્રથમ NIA કોર્ટ સ્થપાઈ હતી. ત્યારબાદ ત્રણ સ્પેશિયલ કોર્ટ અસ્તિત્વમાં આવી. તેમા પણ માત્ર 34 કેસ હોવા છતાં એક દાયકા પછી પણ આ કોર્ટોએ માત્ર ચાર કેસમાં ચુકાદો આપ્યો છે. તો ન્યાયતંત્ર કેવી રીતે કાર્ય કરી રહ્યું છે તેવો સીધો પ્રશ્ન ઊભો થાય છે. 'ન્યાયમાં વિલંબ એ અન્યાય સમાન છે' એ સિદ્ધાંત આ ઉદાહરણ પરથી સ્પષ્ટ થાય છે.

NIA કોર્ટમાં NIA એક્ટ, 2008ની અનુસૂચિ હેઠળ આવતા અને રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન પહોંચાડતા ગંભીર ગુનાઓની સુનાવણી થાય છે. જેમ કે આતંકવાદી પ્રવૃત્તિઓ, દેશ વિરોધી કૃત્યો, ઉગ્રવાદી સંગઠનો સાથે જોડાયેલા કેસ (UAPA હેઠળના ગુનાઓ), ટેરર ફંડિંગ, આતંકવાદ ફેલાવવા માટેનું ભંડોળ, ડ્રગ્સની હેરાફેરીના મોટા નેટવર્ક (જેમ કે મુંદ્રા પોર્ટ ડ્રગ્સ કેસ), બનાવટી ચલણી નોટો (FICN) અને સાયબર આતંકવાદ તથા જાસૂસી સંબંધિત કેસોનો સમાવેશ થાય છે. આવા અતિ સંવેદનશીલ કેસોમાં કોર્ટોની ન્યાયિક વિલંબિતતા અને ઉદાસીનતા તેમની ન્યાય કરવાની કાર્યક્ષમતા અને ઇચ્છાશક્તિ અંગે પ્રશ્નો ઊભા કરે છે.