અમદાવાદના કાગડાપીઠ વિસ્તારના કે.કે. શાસ્ત્રીનગરમાં નવા વર્ષના પ્રથમ દિવસે એક યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. આ ઘટના લગભગ એક મહિના પહેલા થયેલા ઝઘડાની જૂની અદાવતને કારણે બની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસ સૂત્રો અનુસાર, 9 નવેમ્બરની રાત્રે કે.કે. શાસ્ત્રીનગરમાં બ્લોક નંબર-3 પાસે યુવક ઊભો હતો. તે સમયે શેખુ મિયાની ચાલીમાં રહેતો આરોપી ત્યાં આવ્યો અને યુવકના ભાઈ સાથે અગાઉ થયેલા ઝઘડાને લઈને બોલાચાલી શરૂ કરી. યુવકે તેના ભાઈને બચાવવા માટે વચ્ચે પડતાં આરોપીએ ઉશ્કેરાઈને ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી.
ત્યારબાદ આરોપીએ પોતાના ખિસ્સામાંથી છરી કાઢીને યુવકની છાતીમાં ઘા ઝીંક્યો. ઘટનાસ્થળે લોકો એકઠા થતાં આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો. ગંભીર રીતે ઘાયલ યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું.
આ મામલે મૃતકના ભાઈએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે.