અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવા અને નાગરિકોને ઝડપી પોલીસ સહાય મળે તે માટે 5 નવેમ્બરે મોટેરા, હંસપુરા અને વસ્ત્રાલમાં ત્રણ નવા પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યા. ઉદ્ઘાટન બાદ તરત જ ત્રણેય મથકો પર સ્ટેશન ડાયરીની એન્ટ્રી પણ શરૂ કરી દેવાઈ હતી.
પરંતુ ઉદ્ઘાટનને દિવસો વીતી ગયા છતાં ગુજરાત પોલીસના ઓનલાઈન પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનમાં મોટેરા અને હંસપુરા પોલીસ સ્ટેશનનું નામ હજુ સુધી ઉમેરાયું નથી. FIRની વિગતો કે નકલ મેળવવાના વિકલ્પમાં હાલ માત્ર વસ્ત્રાલ પોલીસ સ્ટેશન જ દેખાય છે.
સામાન્ય રીતે નાગરિક પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરીને 'કોપી ઓફ FIR' વિકલ્પમાં જઈને કોઈપણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદની નકલ ઘરે બેઠા ડાઉનલોડ કરી શકે છે. આ સુવિધા ન મળતાં મોટેરા અને હંસપુરા વિસ્તારના લોકોએ ફરિયાદની નકલ કે તેની વિગતો માટે પોલીસ સ્ટેશને રૂબરૂ જવું પડી રહ્યું છે.
નોંધપાત્ર વાત એ છે કે વસ્ત્રાલ પોલીસ સ્ટેશનનું નામ ઉદ્ઘાટનના 15 દિવસ પહેલાં જ પોર્ટલ પર અપલોડ કરી દેવાયું હતું. ઉદ્ઘાટનની તારીખ અગાઉથી નક્કી હતી અને રાજ્યના ઉચ્ચ નેતૃત્વ તથા પોલીસ વડાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો, તો પણ આઈટી સેલે બાકીના બે મથકોને સમયસર ઓનલાઈન સિસ્ટમ સાથે જોડ્યા નહીં.
ડિજિટલ ઈન્ડિયા અને ઓનલાઈન સેવાઓની વાત થાય છે ત્યારે ગૃહ વિભાગના જ પ્લેટફોર્મ પર નવા મથકોના નામ સમયસર ન ઉમેરાવાથી તંત્રની કાર્યપદ્ધતિ પર સવાલ ઊભા થયા છે. નાગરિકોની માગ છે કે મોટેરા અને હંસપુરા પોલીસ સ્ટેશનને વહેલી તકે પોર્ટલ અને એપ સાથે જોડવામાં આવે.