સત્ય. સાહસ. સંકલ્પ.

નહેરુનગર જમીન વિવાદ: નિવૃત્ત DySPની ધરપકડ બાદ જામીન અરજી ફગાવાઈ

નહેરુનગર જમીન વિવાદ: નિવૃત્ત DySPની ધરપકડ બાદ જામીન અરજી ફગાવાઈ

અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં 27 મે, 2026ના રોજ એક જમીન વિવાદને લઈને નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણે કથિત રીતે પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ પોલીસે અશોકસિંહ ચૌહાણ, તેમની દીકરી ખ્યાતિ ચૌહાણ અને અન્ય સામે ગુનો નોંધીને ધરપકડ કરી હતી. ધરપકડ બાદ અશોકસિંહે સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, પરંતુ કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી. તેઓ છેલ્લા ત્રણ મહિનાથી જેલમાં છે.

આ સમગ્ર વિવાદનું મૂળ અમદાવાદના જાણીતા ઉદ્યોગપતિ વાડીલાલ લલ્લુભાઈ મહેતા સાથે જોડાયેલું છે. વાડીલાલે 1965માં કાળાજી ઠાકોર પાસેથી આ જમીન ખરીદી હતી. તે સમયે આ જમીન ગ્રીન બેલ્ટ હેઠળ આવતી હતી, જેના કારણે તેનો ઉપયોગ માત્ર ખેતી માટે જ થઈ શકતો હતો. ગ્રીન બેલ્ટ 2018-19ની આસપાસ ક્લિયર થયો હતો, અને ત્યારબાદ જ જમીનના વિકાસનો રસ્તો ખૂલ્યો હતો.

વાડીલાલ પરિવાર પાસે કઠવાડા સહિત અનેક વિસ્તારોમાં જમીનો હતી, અને તેઓ તેમની જમીનોની દેખરેખ માટે કેરટેકર રાખતા હતા. અશોકસિંહ ચૌહાણના દાદા આ જમીન પર રખેવાળી કરતા હતા. સમય જતાં, અશોકસિંહના પિતા પ્યારેસિંહે ત્યાં ચાની કીટલી અને નર્સરી શરૂ કરી દીધી હતી. ત્યારબાદ ધીમે ધીમે ચૌહાણ પરિવારે આ જમીન પર પોતાનો દાવો કરવાનો પ્રયાસ કર્યો.

1982માં વાડીલાલ મહેતાના બે પુત્રો, બિપિનભાઈ અને સુહાસભાઈ, વચ્ચે મિલકતોની વહેંચણી થઈ હતી. આ વહેંચણીમાં નેહરુનગરની આ જમીન કોના ભાગે આવી તે અંગે હાલમાં તપાસ ચાલી રહી છે. દિવ્ય ભાસ્કરે આ પ્રોપર્ટી વિવાદના દસ્તાવેજો ઊખેળીને આ માહિતી બહાર લાવી છે.