સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન SG હાઇવે અને રિંગ રોડ પર ભારે ટ્રાફિક જામની ચેતવણી

અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન SG હાઇવે અને રિંગ રોડ પર ભારે ટ્રાફિક જામની ચેતવણી

અમદાવાદમાં નવરાત્રિ મહોત્સવ દરમિયાન પશ્ચિમ વિસ્તારના મુખ્ય માર્ગો પર વાહનચાલકોએ ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડશે. સરખેજ-ગાંધીનગર (SG) હાઇવે, સરદાર પટેલ રિંગ રોડ, સિંધુભવન રોડ અને વૈષ્ણોદેવી સર્કલ તરફ આયોજિત કોમર્શિયલ ગરબા અને ક્લબ્સમાં રાત્રે વાહનોનું ભારણ 35થી 40 ટકા વધી જશે.

સામાન્ય દિવસોમાં SG હાઇવે અને રિંગ રોડ પર દૈનિક સરેરાશ 1.20 લાખથી 1.30 લાખ વાહનોની અવરજવર રહે છે, જે નવરાત્રિના 9 દિવસો દરમિયાન રાત્રિના સમયગાળામાં વધીને 1.75 લાખથી 1.85 લાખ વાહનો સુધી પહોંચી જશે.

આ મુખ્ય માર્ગો પર અગાઉથી જ ફ્લાયઓવર, ડ્રેનેજ લાઇન અને પ્રી-ફેસ્ટિવલ રોડ રિસરફેસિંગના કામો ચાલી રહ્યા હોવાથી રસ્તા સાંકડા બની ગયા છે. નિર્માણાધીન સાઇટ્સના કારણે ઊભા કરાયેલા ડાયવર્ઝન અને સાંકડા સર્વિસ રોડ પર રાત્રે એકસાથે હજારો ખેલૈયાઓ ઊમટી પડતાં બોટલનેક પોઇન્ટ્સ સર્જાશે, જેના લીધે વાહનોની ગતિ થંભી જશે.

SG હાઇવે પર ચાલતી સિવિલ કામગીરી અને મેટ્રો/બ્રિજ પ્રોજેક્ટ્સના કારણે સર્વિસ રોડ બ્લોક છે અને મેઇન કેરેજ-વે પર મોટા પાયે બેરિકેડિંગ કરાયેલું છે. નવરાત્રિના પીક અવર્સ એટલે કે રાત્રે 8થી મોડી રાતે 2 વાગ્યા દરમિયાન ગરબા સ્થળો તરફ જતા વાહનો, ખાનગી કેબ્સ અને નિયમિત ટ્રાફિક આ સાંકડા પટ્ટા પર ભેગા થશે. આ ઉપરાંત સિંધુભવન રોડ અને બોપલ-આંબલી એપ્રોચ રોડ પર રોડ રિપેરિંગના અધૂરા પેચવર્ક વચ્ચે ગ્રાઉન્ડ બહાર થતાં પાર્કિંગના કારણે ત્રણ લેનનો રસ્તો માત્ર એક જ લેનમાં ફેરવાઈ જશે.

સામાન્ય દિવસોની સ્થિતિ: SG હાઇવે (વૈષ્ણોદેવીથી સરખેજ) પર દૈનિક સરેરાશ 1.25 લાખ વાહનો પસાર થાય છે, જ્યારે એસ.પી. રિંગ રોડ પર 1.10 લાખ વાહનોની અવરજવર રહે છે.

નવરાત્રિના 9 દિવસનું ભારણ: ગરબા રસિકો, ઇવેન્ટ સ્ટાફ અને ફૂડ માર્કેટના કારણે રાત્રે 8થી 2 વાગ્યા વચ્ચે અંદાજે 50થી 60 હજાર વધારાના વાહનો ઉમેરાશે, જેથી બંને માર્ગો પર દૈનિક ભારણ 1.75 લાખથી 1.85 લાખ વાહનો વટાવી જશે.

બોટલનેક સ્પોટ્સ: વૈષ્ણોદેવી જંક્શન, પકવાન ચાર રસ્તા, કર્ણાવતી ક્લબ ક્રોસિંગ અને બોપલ એપ્રોચ પર ચાલતા કામકાજના કારણે 3 લેનમાંથી ટ્રાફિક 1 લેનમાં સંકોચાશે.

નવરાત્રિ સુરક્ષા: અમદાવાદમાં 14 હજાર પોલીસકર્મી તૈનાત, 4 હજાર CCTVથી રખાશે વોચ. નવરાત્રિ પર્વમાં ખેલૈયાઓની સુરક્ષા માટે અમદાવાદ પોલીસ સજ્જ થઈ છે. પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ, શહેરમાં 14 હજાર પોલીસ જવાનો, 500 ઉચ્ચ અધિકારીઓ અને 139 PCR વાન ખડેપગે રહેશે. મહિલાઓની સુરક્ષા અને છેડતી અટકાવવા 49 'શી ટીમ' સાદા વેશમાં તૈનાત રહેશે. 4 હજાર CCTVથી કંટ્રોલ રૂમ દ્વારા મોનિટરિંગ કરાશે. ટ્રાફિક વ્યવસ્થા માટે વધારાના 500 જવાનો રોડ પર ઉતારાયા છે.