સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના અમરાઈવાડીમાં નવરાત્રિ દરમિયાન યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા, ચાર આરોપી ફરાર

અમદાવાદના અમરાઈવાડીમાં નવરાત્રિ દરમિયાન યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા, ચાર આરોપી ફરાર

અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારના ગુલાબનગરમાં નવરાત્રિના પર્વ દરમિયાન એક યુવકની ચાકુના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. જૂની અદાવતના કારણે ચાર શખ્સોએ આ હુમલો કર્યો હોવાનું પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે સામે આવ્યું છે. ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગરબાના માહોલ વચ્ચે ચાર ઇસમોએ યુવકને નિશાન બનાવ્યો અને તેના પર ચાકુથી આડેધડ ઘા કર્યા. ગંભીર ઇજાઓને કારણે યુવકનું મોત નીપજ્યું. ઘટનાસ્થળે લોહીના ખાબોચિયા ભરાઈ જવાની સાથે સ્થાનિક લોકોમાં ચકચાર મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં જ અમરાઈવાડી પોલીસ તાત્કાલિક કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ગુનો નોંધીને ફરાર થયેલા ચારેય આરોપીઓને પકડવા માટે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ તથા અન્ય પુરાવાઓ એકત્ર કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આ જ દિવસોમાં દ્વારકાના ભાણવડમાં પણ નવરાત્રિ દરમિયાન એક યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. વાહન સાઈડમાં લેવાની સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ 21 વર્ષીય વિજય પરમાર પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. ભાણવડ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.