અમદાવાદમાં નવરાત્રિ પર્વ દરમિયાન રાત્રે અને વહેલી સવારે વાહનોની અવરજવર વધી છે. આ દરમિયાન શહેરના રિંગ રોડ અને હાઈવે પર બેદરકારીભરી રીતે વાહન ચલાવવાના અને જાહેર રસ્તા પર જોખમી રીતે વાહનો પાર્ક કરવાના કારણે છેલ્લા બે દિવસમાં ત્રણ ગંભીર અકસ્માતો થયા છે. સનાથલ, ઓઢવ અને અસલાલી-કમોડ સર્કલ પાસે બનેલી આ અલગ-અલગ ઘટનાઓમાં કુલ ચાર નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. ટ્રાફિક પોલીસે ત્રણેય કેસમાં ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
સનાથલ પાસે કન્ટેનર સાથે બાઈક અથડાતાં બે યુવકોના મોત
પ્રથમ ઘટના 13 ઓક્ટોબરની રાત્રે લગભગ સવા નવ વાગ્યાના સુમારે સનાથલથી ઉજાલા તરફ જતા રસ્તા પર સનાથલ રેલવે બ્રિજ ઉતરતાં પોલારીસ શોરૂમ સામે બની હતી. જાહેર રસ્તા પર કોઈ પણ પ્રકારની સેફ્ટી, રેડિયમ રિફ્લેક્ટર કે પાર્કિંગ લાઈટ ચાલુ રાખ્યા વિના બેદરકારીભરી રીતે પાર્ક કરેલા કન્ટેનર ટ્રકની પાછળ બાઈક અથડાઈ હતી.
આ દુર્ઘટનામાં બાઈકસવાર મોરૈયા ખાતે નોકરી કરતા હર્ષદકુમાર ઉર્ફે રવિ અરવિંદભાઈ મઢવી (ઉં.વ. 24) તથા તેમના મિત્ર શનિ બળદેવભાઈ રાવળ (ઉં.વ. 20) બંનેને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતાં 108ના તબીબે સ્થળ પર જ બંનેને મૃત જાહેર કર્યા હતા. આ મામલે મૃતક હર્ષદના નાના ભાઈ નિલેષકુમાર અરવિંદભાઈ મઢવીની ફરિયાદના આધારે એસ.જી.-2 ટ્રાફિક પોલીસે ઝારખંડના કન્ટેનર ચાલક સાહેબખાન અજીમખાન વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
ઓઢવ પાસે ટ્રકની ટક્કરે બાઈકચાલકનું મોત
બીજી ઘટના 11 ઓક્ટોબરની રાત્રે લગભગ આઠ વાગ્યાના સુમારે ઓઢવથી નિકોલ રિંગ રોડ ચાર રસ્તા વચ્ચે એક હોટલ સામે રિંગ રોડ પર બની હતી. ડુંગરપુરના વતની અને અમદાવાદમાં કડિયાકામ કરતા શૈલેષ માણાભાઈ રોત (ઉં.વ. 22) પોતાની સ્પ્લેન્ડર મોટરસાઈકલ લઈને પસાર થઈ રહ્યા હતા. તે સમયે રાજસ્થાન પાર્સિંગના ટેલર ટ્રકના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારીને બાઈકને ટક્કર મારી હતી. ટાયર ફરી વળતાં શૈલેષનું સ્થળ પર જ મોત થયું હતું. આ મામલે મૃતકના પિતા માણાભાઈ નાથાભાઈ રોતની ફરિયાદ પરથી 'આઈ' ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કર્યો છે.
અસલાલી પાસે EVને ટક્કર, બોલેરો ચાલક ફરાર
ત્રીજી ઘટના 13 ઓક્ટોબરની સવારે એસ.પી. રિંગ રોડ પર અસલાલી સર્કલથી કમોડ સર્કલ ચાર રસ્તા પાસે બની હતી. લાંભા-નારોલ રહેતા અને ખેડા ખાતે એક કંપનીમાં પ્લાન્ટ મેનેજર તરીકે નોકરી કરતા ભાવેશ ભોળાભાઈ દુધાત (ઉં.વ. 33) પોતાના ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર પર મકરબા ખાતે ઓફિસ મીટિંગમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવેલા બોલેરો પીકઅપ ડાલાના ચાલકે ટક્કર મારી હતી. ભાવેશભાઈને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થતાં તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે બોલેરો ચાલક નાસી છૂટ્યો હતો. આ મામલે મૃતકના પત્ની મનિષાબહેનની ફરિયાદ પરથી કે ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી છે.