સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં નવરાત્રિ-દશેરા માટે પોલીસના 44 નિયમો લાગુ, રાત્રે 12 વાગ્યા સુધી જ માઈક ચાલશે

અમદાવાદમાં નવરાત્રિ-દશેરા માટે પોલીસના 44 નિયમો લાગુ, રાત્રે 12 વાગ્યા સુધી જ માઈક ચાલશે

અમદાવાદમાં 11થી 20 ઓક્ટોબર દરમિયાન નવરાત્રિ અને દશેરા પર્વ યોજાશે. પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી આયોજકો માટે કુલ 44 નિયમો નક્કી કર્યા છે. જેમાં પરવાનગી માટે 12 નિયમો અને વ્યવસ્થા માટે 32 નિયમોનો સમાવેશ થાય છે. આ નિયમોનો હેતુ નાગરિકોની સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને શાંતિ જાળવવાનો છે.

પોલીસના જાહેરનામા મુજબ, કોઈપણ આયોજનમાં રાત્રે 12 વાગ્યા સુધી જ માઈક સિસ્ટમ, લાઉડ સ્પીકર કે પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે. રાત્રે 12 વાગ્યા પછી માઈક ચાલુ રાખી શકાશે નહીં અને નોઈઝ પોલ્યુશનના નિયમોનું સખત પાલન કરવું પડશે. હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ અને કોર્ટની આસપાસના સાયલન્ટ ઝોનમાં માઈક કે લાઉડ સ્પીકર વાપરી શકાશે નહીં.

બિનવ્યાવસાયિક સોસાયટીઓ અને શેરી ગરબાઓમાં લાઉડ સ્પીકરની મંજૂરી સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી પી.આઈ. આપશે. જ્યારે ટિકિટ કે પાસ ધરાવતા પાર્ટી પ્લોટ અને ક્લબના વ્યાવસાયિક આયોજનો માટે પોલીસ સ્ટેશનના અભિપ્રાય બાદ એસીપી (ટ્રાફિક) મંજૂરી આપશે. શેરી ગરબાઓમાં પોલીસ સાથે સંકલન માટે આયોજકોએ બે મેન્ટર ફરજિયાત નિમવાના રહેશે. પોલીસ સ્ટેશનમાંથી પણ એક અધિકારી કે કર્મચારીને મેન્ટર તરીકે નિમવામાં આવશે. આ મેન્ટર્સ મહિલા સુરક્ષા, ટ્રાફિક નિયંત્રણ અને કેફી દ્રવ્યોના પ્રવેશ પર નજર રાખશે.

ગરબામાં આવનાર તમામ લોકોના ઓળખ પુરાવા મેળવવા અને મહિલા સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. મહિલા સુરક્ષા માટે પોલીસની 'શી ટીમ' સાથે સંકલન કરવું પડશે. સાઉન્ડ સિસ્ટમ ભાડે આપનારની તમામ વિગતો આપવી પડશે. સાઉન્ડ સંબંધી કોઈ ઘટના બને તો તેની જવાબદારી આયોજકો અને સિસ્ટમ માલિકોની રહેશે.

ટ્રાફિક અને પાર્કિંગ માટે ગરબા સ્થળની બંને બાજુએ 200 મીટર સુધી ટ્રાફિક જામ કે અડચણરૂપ પાર્કિંગ ન થાય તેની જવાબદારી આયોજકની રહેશે. કાર્યક્રમ સ્થળે પૂરતા સીસીટીવી કેમેરા ગોઠવવા, એન્ટ્રી અને એક્ઝિટ ગેટ અલગ રાખવા અને અસામાજિક તત્વો પર નજર રાખવા AI બેઝ્ડ કેમેરા લગાવવા પડશે.

ગરબા સ્થળે કેફી દ્રવ્યો (નશો) કરીને કોઈ પ્રવેશ ન કરે તે માટે બ્રેથ એનાલાઈઝર, ડોરફ્રેમ અને હેન્ડ મેટલ ડિટેક્ટર રાખવા પડશે. નશાખોરોને અટકાવી પોલીસને જાણ કરવા માટે બે વ્યક્તિઓ ફરજિયાત નિમવાના રહેશે અને તેમની વિગતો પોલીસ સ્ટેશનમાં આપવી પડશે.

આ ઉપરાંત કાર્યક્રમ સ્થળે ઈલેક્ટ્રિક ફિટિંગ, ફાયર સેફ્ટી ઉપરાંત સિક્યુરિટી ગાર્ડ, પાર્કિંગ અને વોલેન્ટિયર્સની વ્યવસ્થા આયોજકોએ કરવી પડશે. સોહાર્દપૂર્ણ નવરાત્રિ આયોજન માટે ગરબીની સ્થાપના કોમન પ્લોટ, ખાનગી પ્લોટ કે ખુલ્લી જગ્યાએ કરવી.