અમદાવાદ ગ્રામ્ય પોલીસે આગામી નવરાત્રિ મહોત્સવ માટે સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા અંગે વિસ્તૃત ગાઈડલાઇન જાહેર કરી છે. 11 ઓક્ટોબરથી શરૂ થતા આ તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસે તમામ આયોજકો માટે 24 મુદ્દાનું ચેકલિસ્ટ તૈયાર કર્યું છે, જેનું પાલન ફરજિયાત રહેશે. જિલ્લા પોલીસ વડા (SP) ઓમ પ્રકાશ જાટે જણાવ્યું કે આ વર્ષે સુરક્ષામાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં ગરબા આયોજન માટે અત્યાર સુધીમાં 890 જેટલી અરજીઓ આવી છે, જેમાં નાના-મોટા શેરી ગરબાનો સમાવેશ થાય છે. બોપલ અને સાણંદ જેવા વિસ્તારોમાં 17 મોટા કોમર્શિયલ ગરબા માટેની અરજીઓ મળી છે. પોલીસે તાજેતરમાં જ મોટા કોમર્શિયલ ગરબા આયોજકો સાથે બેઠક યોજીને તેમને ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી છે.
આયોજકોએ ફોર્મ ભરીને CCTV રૂમ, મહિલાઓ અને બાળકોની સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા, સિક્યુરિટી ગાર્ડની સંખ્યા, ફાયર સેફ્ટી અને ગરબા રમનાર ખેલૈયાઓની સંખ્યા જેવી તમામ વિગતો પોલીસને આપવાની રહેશે. આ ઉપરાંત ચાર મુખ્ય નિયમો ફરજિયાત બનાવવામાં આવ્યા છે. પોલીસની ખાસ ટીમ દરરોજ ગરબા સ્થળ પર જઈને વ્યવસ્થાનું ચેકિંગ કરશે.
ભીડ નિયંત્રણ માટે પોલીસ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરશે. કોમર્શિયલ ગરબા સ્થળો પર મેદાનની ક્ષમતા કરતાં વધુ પાસનું વિતરણ ન થાય તેની કડક સૂચના આપવામાં આવી છે. ડ્રોન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી ખેલૈયાઓ પર સતત નજર રાખવામાં આવશે. સુરક્ષા માટે પૂરતા પ્રમાણમાં મહિલા અને પુરુષ બાઉન્સર તહેનાત કરવાના રહેશે. મહિલાઓની સુરક્ષા માટે પોલીસની 'સી ટીમ' (SHE Team) ગરબા મેદાનોમાં સતત સક્રિય રહેશે.
ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે આયોજકોએ ટ્રાફિક વ્યવસ્થાનો સંપૂર્ણ રિપોર્ટ પોલીસને આપવાનો રહેશે. પોલીસે ચેતવણી આપી છે કે ગેરકાયદેસર રીતે પાર્કિંગના નામે પૈસા ઉઘરાવતા તત્ત્વો સામે સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ તમામ સુરક્ષા વ્યવસ્થાઓનું ગ્રાઉન્ડ લેવલ પર પરીક્ષણ કરવા માટે 9 ઓક્ટોબરના રોજ તમામ મોટા કોમર્શિયલ ગરબા ગ્રાઉન્ડ પર ફાયર બ્રિગેડ, મેડિકલ ટીમ અને R&B વિભાગ દ્વારા સંયુક્ત ડ્રિલ યોજવામાં આવશે. પોલીસની આ સઘન કામગીરીથી ખેલૈયાઓ નિર્ભય બનીને ગરબાની મોજ માણી શકશે.