સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર નવરાત્રીમાં ગરબા રમવા હવે પાસ ખરીદવી પડશે

અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર નવરાત્રીમાં ગરબા રમવા હવે પાસ ખરીદવી પડશે

અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાતા વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં આ વર્ષથી ગરબા રમવા માટે પાસ ખરીદવી પડશે. અત્યાર સુધી આ મહોત્સવમાં ગરબા પ્રેમીઓ માટે પ્રવેશ નિઃશુલ્ક હતો, પરંતુ હવે ગુજરાત પ્રવાસન વિભાગે ઓનલાઈન પાસ વેચવાનું આયોજન કર્યું છે.

પ્રવાસન વિભાગે ગરબા રસિકો માટે અલગ-અલગ ઝોન પ્રમાણે પાસના દર નક્કી કર્યા છે. સેલિબ્રેશન ઝોન માટે 100 રૂપિયા અને પ્રીમિયમ એક્સપિરિયન્સ ઝોન માટે 200 રૂપિયા ચાર્જ લેવામાં આવશે.

આ વર્ષે GMDC ગ્રાઉન્ડ ખાતે ખેલૈયાઓ સવારે 4 વાગ્યા સુધી ગરબાની રમઝટ બોલાવી શકશે. સમયપત્રક મુજબ, ટ્રેડિશનલ ગરબા સાંજે 5:00 વાગ્યાથી રાત્રે 12:00 વાગ્યા સુધી ચાલશે, જ્યારે મંડલી ગરબા રાત્રે 12:00 વાગ્યાથી સવારે 4:00 વાગ્યા સુધી ચાલશે.

ઉલ્લેખનીય છે કે, 2003માં નવરાત્રી ઉત્સવ દરમિયાન તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું આયોજન કર્યું હતું. ભારત સરકાર, યુનાઇટેડ નેશન્સ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (UNIDO), ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI) અને CIIના સહયોગથી અમદાવાદ અને સુરત ખાતે યોજાયેલી આ સમિટ (28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2003) દરમિયાન ઇન્ડસ્ટ્રિયલ એક્સટેન્શન બ્યુરોએ રાજ્ય સરકાર માટે નોડલ એજન્સી તરીકે કામ કર્યું હતું.

આજે અમદાવાદનો વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ દેશ-વિદેશના લોકો માટે ગુજરાતની સંસ્કૃતિ, પરંપરા અને ગરબાનો અનુભવ કરાવતું મહત્ત્વનું આયોજન બની ગયું છે. GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાતા આ મહોત્સવમાં દેશ-વિદેશના મહેમાનોની હાજરી જોવા મળે છે. નવ દિવસ સુધી અહીં રાજ્યની લોકકલા અને સંસ્કૃતિનું તાદૃશ્ય જોવા મળે છે.

ગુજરાતના ગરબાએ વિદેશમાં પણ આકર્ષણ જમાવ્યું છે. 'જ્યાં વસે ગુજરાતી, ત્યાં સદા કાળ ગુજરાત' મુજબ વિદેશમાં રહેતા ગુજરાતીઓ ગુજરાતની કલા અને સંસ્કૃતિને ત્યાં જીવંત રાખી રહ્યા છે. નવરાત્રીના ગરબાનું સ્વરૂપ પણ સમય સાથે બદલાતું રહ્યું છે. ગરબી મંડળના ગરબાથી લઈને શેરી ગરબા અને ત્યારબાદ પાર્ટી પ્લોટમાં અર્વાચીન ગરબાનું નવું સ્વરૂપ જોવા મળે છે. હવે આ ગરબામાં મંડલી ગરબાનો પણ ઉમેરો થયો છે, જેમાં ઢોલના તાલે ખેલૈયા ગરબે ઝૂમે છે.