અમદાવાદમાં નવરાત્રિના પ્રથમ નોરતે મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ફૂડ વિભાગે 15 ગરબા સ્થળોએ 148 ફૂડ સ્ટોલની તપાસ કરી હતી. આ તપાસમાં 41 સ્ટોલ પાસે FSSAI (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા)નું જરૂરી રજિસ્ટ્રેશન ન હોવાનું સામે આવ્યું હતું. જોકે, સ્થળ પર જ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી કરાવીને સ્ટોલધારકોને રજિસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું, જેથી તેઓ ધંધો ચાલુ રાખી શકે.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 અને તેના હેઠળના નિયમો અનુસાર ફૂડ સ્ટોલની સ્વચ્છતા, ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી. નાગરિકોને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળે તે હેતુથી આ તપાસ હાથ ધરવામાં આવી હતી.
ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 9 ગરબા સ્થળોના 81 ફૂડ સ્ટોલ ચેક કરવામાં આવ્યા હતા. અહીં 18 ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા અને 24 ખાદ્ય પદાર્થોના સ્થળ પર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ઝોનમાં 62 સ્ટોલ પાસે FSSAI રજિસ્ટ્રેશન હોવાનું નોંધાયું હતું. પૂર્વ ઝોનમાં 5 ગરબા સ્થળોના 59 ફૂડ સ્ટોલની તપાસ કરવામાં આવી હતી. અહીં 19 ખાદ્ય પદાર્થોના નમૂના લેવાયા હતા અને 10 ખાદ્ય પદાર્થોના સ્થળ પર ટેસ્ટ કરાયા હતા. આ ઝોનમાં 37 સ્ટોલ પાસે FSSAI રજિસ્ટ્રેશન હતું. પશ્ચિમ ઝોનમાં એક ગરબા સ્થળના 8 ફૂડ સ્ટોલ ચેક કરાયા હતા. અહીં 4 ખાદ્ય પદાર્થોના નમૂના લેવાયા હતા અને એક ખાદ્ય પદાર્થનો સ્થળ પર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. પશ્ચિમ ઝોનના તમામ 8 સ્ટોલ પાસે FSSAI રજિસ્ટ્રેશન હોવાનું નોંધાયું હતું.
તપાસ દરમિયાન સ્થળ પર TPC મશીનની મદદથી કુલ 35 ખાદ્ય પદાર્થોના પ્રાથમિક ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, આ ટેસ્ટમાં તપાસવામાં આવેલા ખાદ્ય પદાર્થો નિર્ધારિત માપદંડ મુજબના જણાયા હતા.
આ તપાસમાં ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, વસ્ત્રાપુર, રામોલ, વસ્ત્રાલ, નિકોલ અને વાસણા સહિતના વિસ્તારોમાં આવેલા ગરબા સ્થળોનો સમાવેશ થતો હતો. જેમાં રાસલીલા નવરાત્રિ, મણિયારો ગરબા, વાઇબ્રન્ટ નોરતા, સાંસ્કૃતિક શેરી ગરબા, આધ્યશક્તિ ગરબા, પંડાલ ગરબા, કૃષ્ણમય રાસ, કર્ણાવતીનો ગરબો, શ્યામબાગ રાસ ગરબા, કેસરિયા તાલ, લેઉવા પાટીદાર યુવા સંગઠન, ખોડલધામ ગરબા અને રોક એન્ડ ઢોલ સહિતનાં સ્થળોનો સમાવેશ થાય છે.
કોર્પોરેશનના હેલ્થ ફૂડ વિભાગે ગરબાના આયોજકો અને ફૂડ સ્ટોલધારકોને ખાદ્ય પદાર્થો બનાવતી વખતે તથા પીરસતી વખતે સ્વચ્છતા જાળવવા, ખાદ્ય પદાર્થોનો સુરક્ષિત સંગ્રહ કરવા અને સ્ટોલ પર કામ કરતાં કર્મચારીઓની વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા અપીલ કરી છે. નવરાત્રિ દરમિયાન ફૂડ સ્ટોલનું ચેકિંગ ચાલુ રહેશે અને ખાદ્ય સુરક્ષાના નિયમોનો ભંગ જણાશે તો લાગુ કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.