સત્ય. સાહસ. સંકલ્પ.

નવરાત્રીમાં અમદાવાદના ફૂડ સ્ટોલ પર AMCની કડક ચકાસણી, નિયમ તોડનાર સામે કાર્યવાહી

નવરાત્રીમાં અમદાવાદના ફૂડ સ્ટોલ પર AMCની કડક ચકાસણી, નિયમ તોડનાર સામે કાર્યવાહી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગે સપ્ટેમ્બર મહિનામાં શહેરના વિવિધ ખાદ્ય ધંધાકીય એકમોમાં ચેકિંગ કર્યું હતું. આ દરમિયાન કુલ 612 ખાદ્યપદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા, જેમાંથી 22 સેમ્પલ અપ્રમાણિત જાહેર થયા. 28 ખાદ્ય ધંધાકીય એકમોને સીલ કરવામાં આવ્યા.

હવે નવરાત્રીને ધ્યાનમાં રાખીને શહેરમાં ગરબા સ્થળો, સોસાયટીઓ, પાર્ટી પ્લોટ અને અન્ય સ્થળોએ ઉભા કરાયેલા ફૂડ સ્ટોલની ખાસ ચકાસણી કરવામાં આવશે. જરૂર જણાય ત્યાં ખાદ્યપદાર્થોના સેમ્પલ લેવાશે અને નિયમભંગ જણાશે તો Food Safety and Standards Act, 2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

સપ્ટેમ્બરની તપાસમાં 9,334 કિલો ખાદ્ય જથ્થો સ્થગિત કરવામાં આવ્યો હતો, જેની કિંમત રૂ. 21,64,367 હતી. ફૂડ વિભાગે નિયમભંગ બદલ રૂ. 12,79,300ની પેનલ્ટી વસૂલ કરી હતી અને કુલ 404 નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી. 1,863 કિલો/લિટર બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો.

કોર્પોરેશનના ફૂડ સેફ્ટી વિભાગે નવરાત્રીના આયોજકોને ફૂડ સ્ટોલ ફાળવતા પહેલાં વેન્ડર પાસે માન્ય FSSAI લાઇસન્સ કે રજિસ્ટ્રેશન છે કે નહીં તેની ચકાસણી કરવા જણાવ્યું છે. લાઇસન્સ કે રજિસ્ટ્રેશન નંબર સ્ટોલ પર સ્પષ્ટ દેખાય તેની પણ ખાતરી કરવાની રહેશે.

ફૂડ વેન્ડરોને ખાદ્યપદાર્થ સ્વચ્છ અને ઢાંકીને રાખવા તથા ધૂળ, માખી અને અન્ય દૂષણથી બચાવવા સૂચના આપવામાં આવી છે. પીવા અને રસોઈ માટે સલામત, પીવાલાયક પાણીનો જ ઉપયોગ કરવો. કાચા અને રાંધેલા ખાદ્યપદાર્થો અલગ રાખવા તથા યોગ્ય તાપમાને સંગ્રહ કરવાની સૂચના છે.

ખાદ્ય તેલ અંગે પણ ખાસ સૂચના આપવામાં આવી છે. ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ વાપરવું અને એક જ તેલનો વારંવાર ઉપયોગ ન કરવો. વાસી, દૂષિત કે સમયમર્યાદા પૂરી થયેલા ખાદ્યપદાર્થનું વેચાણ ન કરવું. પ્રતિબંધિત કે મંજૂર મર્યાદાથી વધુ કૃત્રિમ રંગનો ઉપયોગ ન કરવો.

ફૂડ બનાવનાર અને પીરસનાર વ્યક્તિઓએ સ્વચ્છ કપડાં, હેડકવર કે કેપ તથા જરૂર પડે ત્યાં ગ્લોવ્ઝનો ઉપયોગ કરવો. ખાદ્યપદાર્થને હાથથી સીધો સ્પર્શ ટાળીને સ્વચ્છ સાધનો વાપરવા અને સ્ટોલની આસપાસ સ્વચ્છતા જાળવવી. ભીના અને સૂકા કચરા માટે ઢાંકણવાળી અલગ કચરાપેટી રાખવી.

સપ્ટેમ્બરમાં અપ્રમાણિત જાહેર થયેલા 22 સેમ્પલમાં પામોલીન તેલ, જીંજર ગાર્લિક પેસ્ટ, વાપરેલું રાંધણ તેલ, સ્વીટ ચટણી, રેડ ગ્રેવી, ગાર્લિક પાવડર, વેજ પફ, સંભાર, મિડિયમ ફેટ પનીર, ફ્રૂટ સ્ક્વોશ અને સોયા સોસ જેવા ખાદ્યપદાર્થોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દેશી ગાય ઘી (ગોપીશ્રી), પ્યોર ગાય ઘી (શ્રી અમૃત), દેશી ગાયનું ઘી (પ્રસંગ) અને પ્રીમિયમ કાવ ઘી- KT KRISHNA તથા પ્યોર કાવ ઘી-ખુશાલી પણ અપ્રમાણિત જાહેર થયા હતા.