સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં નવરાત્રિ માટે કડક ફાયર સેફ્ટી નિયમો: દરેક વ્યક્તિને 1 ચો.મી. જગ્યા, 2 ઇમરજન્સી એક્ઝિટ ફરજિયાત

અમદાવાદમાં નવરાત્રિ માટે કડક ફાયર સેફ્ટી નિયમો: દરેક વ્યક્તિને 1 ચો.મી. જગ્યા, 2 ઇમરજન્સી એક્ઝિટ ફરજિયાત

અમદાવાદમાં આ વર્ષે નવરાત્રિ દરમિયાન 60થી વધુ એરકન્ડિશન્ડ (AC) ડોમવાળા પાર્ટી પ્લોટ યોજાવાની સંભાવના છે. ગયા વર્ષે આવા 50 પ્લોટ હતા. ડોમની સંખ્યા વધતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ વિભાગે ખેલૈયાઓની સલામતી માટે 30 મુદ્દાની કડક ફાયર સેફ્ટી ગાઈડલાઈન તૈયાર કરી છે. આ ગાઈડલાઈન ટૂંક સમયમાં સત્તાવાર રીતે જાહેર થશે.

શહેરમાં SG હાઇવે, સિંધુભવન રોડ અને SP રિંગ રોડ જેવા વિસ્તારોમાં મોટા પાયે બંધ સ્ટ્રક્ચર (ડોમ) ઊભા કરવાની તૈયારી ચાલી રહી છે. તેને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગે પરમિશન, ઇમરજન્સી એક્ઝિટ અને ઇલેક્ટ્રિકલ વાયરિંગ અંગે કડક શરતો નક્કી કરી છે.

નવા નિયમો મુજબ આયોજકોએ પંડાલની ક્ષમતા પ્રમાણે જ પ્રવેશ આપવો પડશે. દરેક વ્યક્તિ માટે ઓછામાં ઓછી 1 ચોરસ મીટર જગ્યા ફાળવવી ફરજિયાત રહેશે. પંડાલમાં એકબીજાની સામે દિશામાં ઓછામાં ઓછા બે ઇમરજન્સી એક્ઝિટ રાખવા પડશે.

ફાયર અધિકારીઓના જણાવ્યા મુજબ, મંડપ, પંડાલ કે કામચલાઉ સ્ટેજ બનાવતી વખતે શાળા, હોસ્પિટલ અને જ્વલનશીલ પદાર્થોના ગોડાઉનથી પૂરતું અંતર રાખવું પડશે, જેથી ફાયર ફાઇટર વાહનો સરળતાથી પહોંચી શકે. ભઠ્ઠી, સબ સ્ટેશન, ટ્રાન્સફોર્મર કે હાઇટેન્શન-રેલવે લાઇન નીચે કે નજીક મંડપ બાંધી શકાશે નહીં. બે સ્ટ્રક્ચર વચ્ચે 2 મીટરથી ઓછું અંતર ન હોવું જોઈએ. પંડાલમાં કોઈ ફિક્સ પાર્ટિશન કરી શકાશે નહીં અને બહાર નીકળવાનો રસ્તો 15 મીટરથી વધુ લાંબો ન હોવો જોઈએ. બેઠક વ્યવસ્થામાં દર 10 બેઠક પછી ઓછામાં ઓછી 1.5 મીટર પહોળાઈનો પેસેજ રાખવો પડશે.

વીજ સલામતી અંગે પણ કડક શરતો છે. મંડપમાં ઇલેક્ટ્રિક વાયરિંગ ભારતીય વીજળી અધિનિયમ મુજબ સરકારી માન્ય ઇજનેર પાસે ચકાસણી કરાવીને ટેસ્ટિંગ રિપોર્ટ રજૂ કરવો પડશે. ઇલેક્ટ્રિક સ્વિચ બોર્ડ AC અથવા GI શીટનું હોવું જોઈએ. મંડપમાં વપરાતા પડદા અને કાર્પેટ ફાયર રીટાર્ડન્ટ પેઇન્ટથી સજ્જ હોવા જોઈએ. જો પંડાલમાં મોશન ફિલ્મ બતાવવાની સ્ક્રીન હોય તો તેના પર સેફ્ટી ફિલ્મ પ્રદર્શિત કરવી ફરજિયાત રહેશે.

આગ સામે તાત્કાલિક સુરક્ષા માટે આયોજકોએ શું વ્યવસ્થા રાખવી પડશે?

• સાધનોની તૈનાતી: દર 100 ચોરસ મીટર વિસ્તાર દીઠ 2 નંગ ABC ફાયર એક્સ્ટિંગ્વિશર (6 કિગ્રા ક્ષમતા), 2 નંગ CO2 ફાયર એક્સ્ટિંગ્વિશર (4.5 કિગ્રા ક્ષમતા), 200 લીટર પાણી ભરેલું ઢાંકેલું ડ્રમ અને રેતી ભરેલી 2 ડોલ ફરજિયાત ઉપલબ્ધ રાખવી પડશે.

• પાણીનો પુરવઠો: ફ્લોર એરિયાના 0.35 લીટર પ્રતિ ચોરસ મીટર કરતાં ઓછો ન હોવો જોઈએ.

• તાલીમબદ્ધ સ્ટાફ: ફાયર એક્સ્ટિંગ્વિશર ચલાવી શકે તેવા જાણકાર અને પ્રશિક્ષિત સ્વયંસેવકોને સમગ્ર ગરબા દરમિયાન ચોવીસે કલાક તૈનાત રાખવા પડશે.

• માતાજીના દીવા પાસે રેતી: માતાજીની મૂર્તિ પાસે પ્રગટાવવામાં આવતા દીવા નીચે રેતી રાખવી ફરજિયાત છે અને ત્યાં ઓછામાં ઓછા એક સ્વયંસેવક સતત હાજર રહેવો પડશે.

• પબ્લિક એડ્રેસ સિસ્ટમ: આપાતકાલીન સ્થિતિમાં જાહેરાત કરવા માટે પબ્લિક એડ્રેસ સિસ્ટમ રાખવી ફરજિયાત છે.

• સિગ્નેજ: ઓટો ગ્લો મટીરિયલમાં "NO SMOKING ZONE", "Exit" અને "Emergency" જેવા સંકેતો લગાવવા પડશે.