અમદાવાદમાં નવરાત્રિ અને દશેરા પર્વ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને અકસ્માતો નિવારવા માટે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ 11 ઓક્ટોબરથી 21 ઓક્ટોબર 2026 સુધી રોજ સવારે 8 વાગ્યાથી રાત્રે 2 વાગ્યા સુધી શહેરમાં ભારે અને 33થી વધુ પેસેન્જર ક્ષમતાવાળા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.
અગાઉના જાહેરનામા હેઠળ 7500 કિલોગ્રામથી વધુ વજન ધરાવતા ગુડ્ઝ વાહનો, પેસેન્જર વાહનો અને ટ્રેક્ટર-ટ્રોલી પર સવારે 8થી રાત્રે 11 વાગ્યા સુધી પ્રતિબંધ હતો, જ્યારે 33થી વધુ પેસેન્જર ક્ષમતા ધરાવતી બસો પર સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી પ્રતિબંધ હતો. નવરાત્રિ અને દશેરાના તહેવારોને ધ્યાનમાં રાખીને આ સમય મર્યાદા વધારીને સવારે 8થી રાત્રે 2 વાગ્યા સુધી કરવામાં આવી છે.
જાહેરનામાનો અમલ 21 ઓક્ટોબર 2026ના રોજ રાત્રે 2 વાગ્યા સુધી ચાલુ રહેશે. ત્યારબાદ અગાઉના નિયમિત જાહેરનામા આપોઆપ અમલમાં આવી જશે. પોલીસ કમિશનરેટ વિસ્તારમાં ફરજ બજાવતા જોઈન્ટ/એડિશનલ પોલીસ કમિશનરથી લઈને પોલીસ કોન્સ્ટેબલ સુધીના તમામ કર્મચારીઓને જાહેરનામાનો ભંગ કરનારા ચાલકો સામે ગુનો નોંધીને કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
કયા વાહનોને પ્રવેશ મળશે અને કયા પર રોક રહેશે? પ્રવેશ માટે છૂટ: 7500 કિલોગ્રામ સુધીના કુલ વજન (GVW) ધરાવતા લાઇટ મોટર વ્હીકલ જેવા કે તમામ લાઇટ ગુડ્ઝ વ્હીકલ (LGV) અને લાઇટ પેસેન્જર વ્હીકલ (LPV) પ્રવેશ કરી શકશે. આ ઉપરાંત સ્લીપર સુવિધા સિવાયની 33 મુસાફરો સુધીની બેઠક ક્ષમતા ધરાવતી મિની બસો/પેસેન્જર વાહનો પણ પ્રવેશ કરી શકશે.
પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ: 7500 કિલોગ્રામથી વધુ વજન ધરાવતા તમામ ગુડ્ઝ વાહનો, ટ્રેક્ટર-ટ્રોલી તેમજ 33થી વધુ બેઠક ક્ષમતાવાળા તમામ પેસેન્જર વાહનો/લક્ઝરી બસો પર સવારે 8થી રાત્રે 2 વાગ્યા સુધી પ્રવેશબંધી રહેશે.