સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: નવરાત્રિ પહેલાં કિર્તીદાન ગઢવીના ગરબા ડોમનો ભાગ તૂટ્યો, જાનહાનિ નહીં

અમદાવાદ: નવરાત્રિ પહેલાં કિર્તીદાન ગઢવીના ગરબા ડોમનો ભાગ તૂટ્યો, જાનહાનિ નહીં

અમદાવાદમાં નવરાત્રિના દિવસો ગણાતા હોય તેવા સમયે કિર્તીદાન ગઢવીના 'પરંપરા નવરાત્રિ' ગરબાના ડોમનો એક ભાગ આજે, 9 ઓક્ટોબરે, ધરાશાયી થયો હતો. સરખેજ પાસે 300થી 400 ચોરસ ફૂટનો ગરબા રમવાનો ડોમ અચાનક બેસી ગયો હતો.

આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને કોઈને ઈજા પણ થઈ નથી. ગરબા શરૂ થવામાં હજુ સમય હોવાથી અને તે વખતે ડોમમાં ખેલૈયા ન હોવાથી એક મોટી હોનારત ટળી છે.

ઘટનાની જાણ થતાં જ આયોજકો અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી છે.

સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું કે, 'અંદાજે 300થી 400 ચોરસ ફૂટનો ગરબા રમવાનો ડોમ તૂટી પડ્યો છે. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. ડોમ કેવી રીતે પડ્યો તેનું કારણ જાણવા તપાસ ચાલી રહી છે.'

ઉલ્લેખનીય છે કે, 11 ઓક્ટોબરથી આ ગરબાનો પ્રારંભ થવાનો હતો. ડોમ ધરાશાયી થતાં ગરબાના નિર્ધારિત સમયપત્રક પર અસર પડી શકે છે અને આયોજનમાં ફેરફારની શક્યતા પણ સેવાઈ રહી છે.