સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન ખુરશીને લઈને ઝઘડો, ચેરમેન પર હુમલો, બેની અટકાયત

અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન ખુરશીને લઈને ઝઘડો, ચેરમેન પર હુમલો, બેની અટકાયત

અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલા સર્જન સ્કાય ફ્લેટમાં 15 ઓક્ટોબરની રાત્રે નવરાત્રિ મહોત્સવ દરમિયાન ખુરશીમાં બેસવા બાબતે બે મહિલાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ પછી હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ મામલે સમાધાન કરાવવા ગયેલા સોસાયટીના ચેરમેન અને ટ્રાફિક પોલીસ હેડ કોન્સ્ટેબલ અનિલ નાયક પર બહારથી આવેલા કેટલાક શખસોએ દંડા અને પંચ જેવા હથિયાર વડે હુમલો કર્યો હતો.

અનિલ નાયક નવા નરોડા સર્જન સ્કાય ફ્લેટમાં પરિવાર સાથે રહે છે. તેઓ શહેર ટ્રાફિક પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે અને સોસાયટીના ચેરમેન પણ છે. 15 ઓક્ટોબરના રોજ સોસાયટીમાં ગરબાનું આયોજન ચાલુ હતું. તે સમયે સોસાયટીમાં જ રહેતાં નિધિ લાડવા અને હીનાબહેન પંચાલ વચ્ચે ખુરશી લેવા બાબતે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન નિધિ લાડવાના પિતા છગનભાઈ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. જો કે, સોસાયટીના સભ્યોએ વચ્ચે પડીને મામલો શાંત કરાવ્યો હતો અને બંને પક્ષ વચ્ચે સમાધાન કરાવ્યું હતું.

સમાધાન થયાની થોડી જ વારમાં બાઇક પર હિતેન્દ્ર લાડવા સહિત બે શખસો સોસાયટીમાં આવ્યા હતા અને નિધિ લાડવાનું ઉપરાણું લઈને ગાળાગાળી કરવા લાગ્યા હતા. ચેરમેન અનિલ અને સભ્યોએ તેમને સમજાવીને બહાર મોકલી દીધા હતા. જો કે, થોડી જ મિનિટોમાં બે એક્ટિવા પર ચાર શખસો હાથમાં લાકડાના દંડા લઈને ગેટ પાસે પહોંચી ગયા હતા. તે પૈકી એક શખસે જાહેરમાં પોતાનું ટીશર્ટ કાઢી નાખી ગાળાગાળી કરી અને દંડા વડે અનિલ પર હુમલો કરી બે ફટકા મારી દીધા હતા.

હુમલાખોરો પૈકી અંશ લાડવા, મહાવીરસિંહ રાણા, કૃતાર્થસિંહ રાઓલ અને અન્ય એક શખસે સોસાયટીના પરિસરમાં ઘૂસીને મારામારી કરી હતી. અનિલ વચ્ચે પડીને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે અંશ લાડવાએ તેના માથાના ભાગે પંચ જેવું તીક્ષ્ણ હથિયાર મારી દેતાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સોસાયટીના રહીશો દોડી આવતાં હુમલાખોરો ભાગી છૂટ્યા હતા. સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. લોહીલુહાણ હાલતમાં ચેરમેનને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નરોડા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધી બે આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.