સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ નવરાત્રિ 2026: ગરબા ગ્રાઉન્ડ પર AI કેમેરા અને ફેસ રિકોગ્નિશનથી નજર, 4 મોટા નિર્ણય

અમદાવાદ નવરાત્રિ 2026: ગરબા ગ્રાઉન્ડ પર AI કેમેરા અને ફેસ રિકોગ્નિશનથી નજર, 4 મોટા નિર્ણય

અમદાવાદમાં આગામી નવરાત્રિ મહોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય અને ખેલૈયાઓની સુરક્ષા જળવાઈ રહે તે માટે અમદાવાદ શહેર પોલીસ, ગરબા આયોજકો અને ફાયર વિભાગ વચ્ચે એક સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચાર મુખ્ય નિર્ણયો લેવામાં આવ્યા છે.

પ્રથમ નિર્ણય મુજબ, આ વર્ષે ગરબા સ્થળો પર નાસભાગ અટકાવવા માટે ગ્રાઉન્ડની ક્ષમતા પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ટેક્નોલોજીથી નજર રાખવામાં આવશે. જો કોઈ ગરબા ગ્રાઉન્ડમાં ક્ષમતા કરતાં વધુ લોકો પ્રવેશશે, તો AI આધારિત કેમેરા તાત્કાલિક ચેતવણી આપશે, જેથી પ્રવેશ બંધ કરી નાસભાગ જેવી સ્થિતિ ટાળી શકાશે.

બીજો નિર્ણય એ છે કે ભૂતકાળમાં નવરાત્રિ દરમિયાન ઉપદ્રવ મચાવનાર તત્ત્વોને ઝડપી પાડવા ફેસ રિકોગ્નિશન કેમેરાનો ઉપયોગ કરાશે. અગાઉ અડપલાં કે વિક્ષેપ ઊભો કરનારા અસામાજિક તત્ત્વોના ફોટા ફેસ રિકોગ્નિશન ડેટાબેઝમાં અપલોડ કરી ગરબા પંડાલમાં તેમની હિલચાલ પર નજર રખાશે.

ત્રીજો નિર્ણય મહિલા સુરક્ષા માટે છે. અમદાવાદ પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા પોલીસ માટે પ્રાથમિકતા છે. ગરબા સ્થળો અને તેની આસપાસ છેડતીના બનાવો અટકાવવા માટે અમદાવાદ પોલીસની 'SHE ટીમ' ખાસ તહેનાત રહેશે.

ચોથો નિર્ણય આયોજકો માટે ફરજિયાત મંજૂરીઓ અંગે છે. તમામ આયોજકોએ સમયસર ફાયર બ્રિગેડની NOC, સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ અને ઇલેક્ટ્રિકલ તપાસણી (કરંટ લિકેજ ચેકિંગ) પૂરી કરાવવી પડશે. આયોજકોને મુશ્ચેી ન પડે તે માટે સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને સંકલન સાધીને ઝડપથી આ મંજૂરીઓ અપાવવા તાકીદ કરવામાં આવી છે.

આ ઉપરાંત, મોડી રાત્રે ગરબા પૂર્ણ થયા બાદ લાખો લોકો એકસાથે રસ્તા પર નીકળતા હોવાથી ટ્રાફિક જામ, ઓવર સ્પીડિંગ કે જીવલેણ માર્ગ અકસ્માત ન સર્જાય તે માટે સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસ રસ્તાઓ પર હાજર રહેશે. જ્યાં સુધી તમામ નાગરિકો સુરક્ષિત રીતે પોતપોતાના ઘરે ન પહોંચે ત્યાં સુધી પોલીસ સતત પેટ્રોલિંગ કરશે. પોલીસ તંત્રને સહયોગ આપવા અને માતાજીની આરાધના મર્યાદાપૂર્ણ માહોલમાં થાય તે માટે અપીલ કરવામાં આવી છે.