અમદાવાદના નારોલ વિસ્તારમાં નવરાત્રિના છેલ્લા નોરતે એક પરિવાર ગરબા રમવા ગયો હતો ત્યારે તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ઇસનપુર-વટવા રોડ પર આવેલા રણછોડપાર્કમાં રહેતા મયુરભાઈ મહેન્દ્રભાઈ પંચાલ પરિવાર સાથે 18 ઓક્ટોબરની રાત્રે કાંકરિયા તળાવ પાસેની ઇક્કા ક્લબમાં ગરબા રમવા ગયા હતા. ઘરેથી નીકળતી વખતે તેમણે મુખ્ય દરવાજાની લોખંડની જાળીને તાળું માર્યું હતું.
પરિવાર રાત્રે લગભગ 3 વાગ્યે ઘરે પરત ફર્યો ત્યારે મુખ્ય દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો. અંદર જઈને તપાસ કરતાં બેડરૂમનો લાકડાનો કબાટ, લોખંડની તિજોરી અને મંદિરના રૂમની તિજોરી ખુલ્લી હતી. ઘરમાં સામાન વેરવિખેર પડ્યો હતો. તિજોરીના લોકર તોડીને દાગીનાના પાઉચ અને રોકડ ચોરાઈ ગયાનું જાણવા મળ્યું.
તસ્કરો આશરે 35 તોલા સોનાના દાગીના – જેમાં અલગ-અલગ સેટ, ચેન, વીંટીઓ, પેન્ડન્ટ, સોનાની બિસ્કિટ અને કાનની બુટ્ટીઓનો સમાવેશ થાય છે – જેની કિંમત રૂ. 13.90 લાખ છે, તેમજ રૂ. 5.20 લાખ રોકડ મળી કુલ રૂ. 19.10 લાખની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા. મયુરભાઈ પંચાલ સાણંદ GIDCની એક ખાનગી કંપનીમાં ઓપરેટર તરીકે કામ કરે છે.
આ બનાવ અંગે મયુરભાઈ પંચાલે નારોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી તસ્કરોને શોધવા તપાસ શરૂ કરી છે.