સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના નારોલમાં મંદિર દર્શન દરમિયાન ઘરમાંથી 6.53 લાખના દાગીના-રોકડ ચોરાયા

અમદાવાદના નારોલમાં મંદિર દર્શન દરમિયાન ઘરમાંથી 6.53 લાખના દાગીના-રોકડ ચોરાયા

અમદાવાદના નારોલ વિસ્તારમાં પ્રાર્થનાનગરમાં એક રહેણાંક મકાનમાંથી તિજોરી તોડીને રૂ. 6.53 લાખની મતા ચોરાઈ હોવાની ઘટના સામે આવી છે. નારોલ પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

નારોલ રંગોલીનગર પાસે આવેલા 13-પ્રાર્થનાનગરમાં રહેતાં 54 વર્ષીય જશોદાબેન દીપકકુમાર રાવલ નારોલ મટનગલી ખાતે સિલાઈ કામ કરે છે અને તેમના 22 વર્ષીય પુત્ર ઉત્સવ સાથે રહે છે. તેમના પતિનું વર્ષ 2021માં અવસાન થયું હતું.

પોલીસમાં ફરિયાદ મુજબ, ગત 23 ઓક્ટોબર 2026ના રોજ પુત્ર ઉત્સવ ઉજ્જૈનના મહાકાલ મંદિરે દર્શન કરવા ગયો હતો, જેથી જશોદાબેન ઘરે એકલાં હતાં. 25 ઓક્ટોબરના રોજ સવારે 11 વાગ્યે તેમણે તિજોરી ખોલી ત્યારે તેમાંનાં ઘરેણાં અને રોકડ સલામત હતાં. ત્યારબાદ તેઓ કામ પર ગયાં હતાં અને સાંજે પાંચ વાગ્યે ઘરે પરત ફર્યાં હતાં. સાંજે છ વાગ્યે બારેજા દર્શન કરવા ગયા બાદ રાત્રે 10 વાગ્યે ઘરે પાછા આવ્યાં હતાં અને જમીને રાત્રે 11 વાગ્યાની આસપાસ સૂઈ ગયાં હતાં.

બીજા દિવસે 26 ઓક્ટોબરના રોજ સવારે સાત વાગ્યે જશોદાબેન દૂધના પૈસા લેવા રૂમમાં રહેલી તિજોરી પાસે ગયાં ત્યારે તિજોરી અને તેનું નાનું ખાનું તૂટેલી તથા ખુલ્લી હાલતમાં મળ્યાં હતાં. ખાનામાં રાખેલા સોનાના દાગીના અને રોકડ સહિત રૂ. 6.53 લાખની મતા ગાયબ હતી.

ફરિયાદ મુજબ, તિજોરીમાંથી આશરે પાંચ તોલા સોનું, જેની કિંમત રૂ. 6 લાખ છે, અને રૂ. 53,000 રોકડ મળી કુલ રૂ. 6.53 લાખની ચોરી થઈ છે. નારોલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.