સત્ય. સાહસ. સંકલ્પ.

નારોલમાં 8 દિવસથી 10 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી લાપતા, માતાને ચિંતા

નારોલમાં 8 દિવસથી 10 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી લાપતા, માતાને ચિંતા

અમદાવાદ: નારોલ-પીરાણા રોડ પર ગણેશ નગર પાસે 10 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી મનીષા 8 દિવસથી લાપતા છે. તેણી ખુલ્લી ગટરમાં પડી ગયાની ઘટના બાદ ફાયર બ્રિગેડની ટીમ સતત શોધખોળ કરી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી.

ઘટના ગયા શનિવારે (10 ઓક્ટોબર) બપોરે લગભગ 3 વાગ્યે બની હતી. મનીષા પરિવાર સાથે નહાવા માટે કેનાલ પર ગઈ હતી. પાછા ફરતી વખતે રિક્ષામાંથી ઉતર્યા બાદ મનીષા અચાનક પાછળ ખસી ગઈ અને ખુલ્લી ગટરમાં પડી ગઈ. તેની માતા પારૂબેને જણાવ્યું કે ગટર ઉપર ઘાસ ઉગેલું હતું અને કોઈ ઢાંકણું નહોતું, જેથી તે દેખાતી નહોતી.

મનીષાના પિતા ભલાભાઈએ જણાવ્યું કે ઘટના બાદ તરત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ટીમે સીડી રાખીને શોધખોળ શરૂ કરી, પરંતુ ગટર ખૂબ ઊંડી અને કીચડવાળી હોવાથી બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. પારૂબેને કહ્યું, "અમે 500 લોકો નીચે ઉતરીએ તો પણ દેખાય નહીં, એટલી ઊંડી છે."

લાચાર માતાએ હવે આશા છોડી દીધી છે. તેમણે કહ્યું, "છોકરી કેમિકલમાં ગઈ, સાવ ઓગળી ગઈ હશે, તેનું હાડકું પણ નહીં મળે. હવે હું હાથ જોડીને વિનંતી કરું છું કે થવાનું થઈ ગયું. અમારે બીજા સંતાનો પ્રજ્ઞાચક્ષુ છે, તેમનો પણ વિચાર કરવો પડે. સરકાર જે આપશે તે લઈ લઈશ."

ઉલ્લેખનીય છે કે ગણેશ નગર વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા છે. પારૂબેને જણાવ્યું કે અહીં કેમિકલવાળું પાણી આવે છે, જે પીવાથી પેટમાં દુખે છે. નહાવાની સુવિધા ન હોવાથી પરિવારે કેનાલ પર જવું પડ્યું હતું, જ્યાંથી પાછા ફરતી વખતે આ ઘટના બની.

ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું કે શોધખોળ ચાલુ છે અને ગટરની અંદરની સ્થિતિ જટિલ હોવાથી સમય લાગી રહ્યો છે. પોલીસે પણ તપાસ શરૂ કરી છે. મનીષાના પરિવારે સરકાર પાસે મદદની અપીલ કરી છે.