અમદાવાદના નારોલ વિસ્તારમાં બીઆરટીએસ બસ સ્ટેન્ડ નજીક આવેલા આકાર કોમ્પ્લેક્ષમાં 24 સપ્ટેમ્બરની સાંજે આંગડિયા પેઢીમાં લૂંટનો પ્રયાસ નિષ્ફળ રહ્યો. વસ્ત્રાલના રહેવાસી 38 વર્ષીય અંકિત ગજ્જર નારોલમાં પોતાની પેઢીની કેબિનમાં એકલા બેઠા હતા અને ટેબલના ખાનામાં 11 લાખ રૂપિયાની રોકડ હતી. તે સમયે બે લૂંટારુઓ અંદર ઘૂસી આવ્યા હતા.
લૂંટારુઓએ અંકિત ગજ્જર પર દેશી તમંચો તાકીને જાનથી મારી નાખવાની ધમકી આપી નાણાં માગ્યાં હતાં. જોકે, પોતાના જીવને જોખમ હોવા છતાં અંકિતે હિંમત દાખવીને બંને હુમલાખોરોના હથિયારવાળા હાથ પકડી લીધા હતા.
ઝપાઝપી દરમિયાન અંકિતને ઈજાઓ પહોંચી હતી, તેમ છતાં તેમણે હિંમત ન હારતાં જોરજોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું. બૂમાબૂમ સાંભળીને આસપાસની ઓફિસોના કર્મચારીઓ અને લોકો દોડી આવ્યા અને બંને લૂંટારાને સ્થળ પર જ દબોચી લીધા.
ઘટનાની જાણ થતાં જ ઈસનપુર પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો અને લોકોના કબજામાંથી બંને આરોપીઓની અટકાયત કરી. પકડાયેલા આરોપીઓની ઓળખ રાજન ધનંજય શાહ અને અલી અહમદ રૂસ્તમ અલી શેખ તરીકે થઈ છે. બંને મૂળ શિવાન (બિહાર)ના રહેવાસી છે અને હાલ ઈસનપુરમાં રહેતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 3 દેશી તમંચા અને 19 જીવતા કારતૂસ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ છેલ્લા છથી આઠ મહિનાથી ઈસનપુરમાં રહેતા હતા અને તેમણે બે દિવસ પહેલા જ આ આંગડિયા પેઢીની રેકી કરીને લૂંટનું પ્લાનિંગ કર્યું હતું. આ કેસમાં પ્રીતમસિંહ નામના અન્ય એક સાગરીતનું નામ પણ સામે આવ્યું છે, જે હાલ ફરાર છે. પોલીસ તેની શોધખોળ કરી રહી છે અને આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ કરી રહી છે.