સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના નરોડામાં દારૂના નશામાં થયેલી તકરારમાં યુવકની હત્યા, ત્રણ મિત્રો ઝડપાયા

અમદાવાદના નરોડામાં દારૂના નશામાં થયેલી તકરારમાં યુવકની હત્યા, ત્રણ મિત્રો ઝડપાયા

અમદાવાદના નરોડા વિસ્તારમાં સંવિધાન સર્કલ નજીક પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફૂટપાથ પર ચાર દિવસ પહેલાં વહેલી સવારે 3 વાગ્યે જતીન સોલંકી નામના યુવકની ધોકા અને લોખંડની પાઇપના ફટકા મારી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ કેસનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસ તપાસ અનુસાર, ઘટનાની રાત્રે જતીન સોલંકી અને તેના ત્રણ મિત્રોએ સાથે મળીને દારૂની મહેફિલ માણી હતી. નશાની હાલતમાં કોઈ અગમ્ય કારણોસર બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો હતો. ઉશ્કેરાયેલા ત્રણેય મિત્રોએ લાકડાના દંડા અને લોખંડની પાઇપથી જતીન પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં તેનું મોત થયું હતું. હત્યા બાદ ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

ચાર દિવસ પૂર્વે વહેલી સવારે સ્થાનિક રહીશોને ફૂટપાથ પરથી જતીન સોલંકીનો લોહીલુહાણ મૃતદેહ મળ્યો હતો. પરિવારજનોએ ઓળખ કર્યા બાદ પોલીસે પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મૃતકના ભાઈ ભાવેશ સોલંકીની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખસો સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.

તપાસ દરમિયાન પોલીસે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે મયંક અરવિંદભાઈ સોલંકી, રોહન દિનેશભાઈ સોલંકી અને રશ્મીકાંત ઉર્ફે જેણીયા મહેન્દ્રભાઈ મકવાણા નામના ત્રણ શખસોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ પૈકી એક બુટલેગર હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, તમામ આરોપીઓ અને મૃતક એકબીજાથી પરિચિત હતા અને નિયમિત સાથે મળતા હતા. ઘટનાની રાત્રે દારૂ પીધા બાદ કઈ ચોક્કસ બાબતે વિવાદ વકર્યો તે દિશામાં પોલીસ પૂછપરછ કરી રહી છે. એક આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાથી ઝઘડા પાછળ જૂની અદાવત કે પૈસાની લેતીદેતી જવાબદાર છે કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે.