સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના નરોડામાં જમીન વિવાદને કારણે આધેડનો કેનાલમાં કૂદી આપઘાત, 8 સામે ફરિયાદ

અમદાવાદના નરોડામાં જમીન વિવાદને કારણે આધેડનો કેનાલમાં કૂદી આપઘાત, 8 સામે ફરિયાદ

અમદાવાદના નરોડા વિસ્તારમાં જમીન વિવાદને લીધે માનસિક ત્રાસ સહન ન થતાં એક આધેડે નર્મદા કેનાલમાં કૂદીને આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. મૃતકના પુત્રએ આ સંદર્ભે આઠ શખ્સો સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસ માહિતી અનુસાર, ડભોડા ખાતે આવેલી 4.5 વીઘા જમીનના વેચાણ અને તેના પર થયેલી વાંધા અરજીને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ જમીન પહેલાં ખેતી માટે બે ભાગીયાને આપવામાં આવી હતી, પરંતુ તેમનું કામ પસંદ ન પડતાં તેમને છૂટા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જમીનનો થોડો ભાગ અન્યને વેચાયો હતો અને બાકીની જમીનમાંથી અગાઉના એક ભાગીયાની પત્નીને 2,866 ચોરસ મીટર જમીન વેચાણ દ્વારા આપવામાં આવી હતી.

આ જમીનના મૂળ માલિકના છ વારસદારોએ જમીનના વેચાણ સામે વાંધા અરજી કરી હતી, જેના કારણે જમીનની એન્ટ્રી સર્ટિફાઈ થઈ શકતી ન હતી. આ બાબતને લઈને વારસદારો અને બે ભાગીયાઓએ 2021થી આધેડને સતત માનસિક ત્રાસ આપવાનું અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આ ત્રાસ અને ધમકીઓને કારણે આધેડ ખૂબ જ તણાવ અને ડરમાં જીવતા હતા. છેવટે ગત 4 નવેમ્બરે તેમણે પોતાના ભત્રીજાને વ્હોટ્સએપ પર સંદેશ અને ફોટા મોકલ્યા બાદ નર્મદા કેનાલમાં કૂદીને આપઘાત કરી લીધો હતો. તેમનો મૃતદેહ 6 નવેમ્બરે મળી આવ્યો હતો.

મૃતકના કબાટમાંથી એક સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં આઠેય શખ્સોના ત્રાસ અને ધમકીઓનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ નોટ અને પુત્રની ફરિયાદના આધારે નરોડા પોલીસે બે ભાગીયા અને છ વારસદાર સહિત આઠ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.