સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: નરોડાની નમકીન ફેક્ટરી સીલ, વપરાયેલા તેલનો રેકોર્ડ ન હોવાથી કાર્યવાહી, 1000 કિલો જથ્થો સ્થગિત

અમદાવાદ: નરોડાની નમકીન ફેક્ટરી સીલ, વપરાયેલા તેલનો રેકોર્ડ ન હોવાથી કાર્યવાહી, 1000 કિલો જથ્થો સ્થગિત

અમદાવાદમાં દિવાળી પહેલાં મીઠાઈ અને ફરસાણની ગુણવત્તા ચકાસવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનનો ફૂડ સેફ્ટી વિભાગ તપાસ કરી રહ્યો છે. સોમવારે (26 ઓક્ટોબર) શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા ખાદ્ય એકમોમાંથી મીઠાઈ, ફરસાણ અને અન્ય ખાદ્ય પદાર્થોના કુલ 29 નમૂના લેવામાં આવ્યા છે. આ બધા નમૂનાઓ લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

આ સાથે જ, નરોડાના મધુસુદન બિઝનેસ પાર્કમાં આવેલી જૈન સુપર નમકીન ફેક્ટરીને સીલ કરવામાં આવી છે અને 1000 કિલો જથ્થો સ્થગિત કરાયો છે. ફૂડ સેફ્ટી વિભાગના જણાવ્યા મુજબ, આ એકમમાં રોજ અંદાજે 125 કિલો રસોઈ તેલ વપરાતું હતું, પણ વપરાયેલા તેલને અધિકૃત એજન્સીને સોંપવાની વ્યવસ્થા અને તેનો જરૂરી રેકોર્ડ મળ્યો નહોતો. તપાસ દરમિયાન વપરાયેલા તેલ અને બેસનના નમૂના લેવામાં આવ્યા હતા, અને 1000 કિલો તૈયાર નમકીન, બેસન તથા મેંદાનો જથ્થો સ્થગિત કરવામાં આવ્યો હતો. વપરાયેલા તેલના લેબોરેટરી રિપોર્ટ બાદ આગળની કાયદેસરની કાર્યવાહી થશે.

નમૂના ક્યાં ક્યાંથી લેવાયા તેમાં ભાવનગરી સ્વીટ માર્ટ, કૃષ્ણા સ્વીટ માર્ટ, શ્રી નાગર ચવાણા એન્ડ સ્વીટ માર્ટ, ગ્વાલિયા સ્વીટ્સ, અમૃત મીઠાઈ જંક્શન અને હીરા મિષ્ઠાન જેવા એકમોનો સમાવેશ થાય છે. કાજુ કતરી, મોહનથાળ, પેંડા, કલાકંદ, બરફી, રસગુલ્લા, બેસન અને વપરાયેલું તેલ સહિતના નમૂના કોર્પોરેશનની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ફૂડ સેફ્ટી વિભાગે ગુણવત્તા, ઉત્પાદન પ્રક્રિયા, સ્વચ્છતા અને તળવા માટે વપરાતા તેલની પણ તપાસ શરૂ કરી છે.

અગાઉ લેવાયેલા નમૂનાઓનાં લેબોરેટરી પરિણામો પણ વિભાગે જાહેર કર્યાં છે. 15 ઓક્ટોબરે બહેરામપુરાના MJF Food એકમમાંથી લેવાયેલા 'સ્નેક ટચઅપ'ના નમૂનામાં ધોરણ મુજબ ન હોવા જોઈએ તેવા સિન્થેટિક કલર્સ મળ્યા હતા, અને સ્ટાર્ચની તપાસ પણ પોઝિટિવ આવી હતી. આ નમૂનાને સબ-સ્ટાન્ડર્ડ અને અનસેફ જાહેર કરાયો હતો. એકમમાંથી 2000 કિલો સ્નેક ટચઅપ, ટામેટા પાઉડર અને અન્ય કાચા માલનો જથ્થો જપ્ત કરીને એકમ સીલ કરવામાં આવ્યું હતું.

તે જ રીતે, 17 ઓક્ટોબરે ગોતા વિસ્તારના આઈ શ્રી ખોડિયાર ગૃહ ઉદ્યોગમાંથી લેવાયેલા નમૂનાઓમાં પણ ખામીઓ મળી હતી. 'સ્નેક ટચઅપ'નો નમૂનો અનસેફ જાહેર કરાયો હતો, જ્યારે 'ટોમેટો પેસ્ટ' અને 'બટાકાની પેસ્ટ'ના નમૂના સબ-સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા હતા.

ફૂડ સેફ્ટી વિભાગના જણાવ્યા મુજબ, રસોઈનું તેલ વારંવાર ગરમ કરવાથી તેમાં ટોટલ પોલર કમ્પાઉન્ડ્સ (TPC)નું પ્રમાણ વધી શકે છે. નિયમો મુજબ TPCનું પ્રમાણ 25 ટકાથી વધુ હોય તેવું વપરાયેલું વનસ્પતિ તેલ માનવ વપરાશ માટે લાયક ગણાતું નથી. વપરાયેલા તેલનો વારંવાર ઉપયોગ કરીને તેનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર, ધમનીઓમાં ચરબી જમા થવી (એથેરોસ્ક્લેરોસિસ), યકૃતના રોગ અને અલ્ઝાઇમર જેવા રોગોનું જોખમ રહે છે. જે એકમોમાં દરરોજ 50 કિલોથી વધુ તેલનો વપરાશ થાય છે, ત્યાં વપરાયેલા તેલનો રેકોર્ડ જાળવવો જરૂરી છે.