સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: બુટલેગરના પૌત્રની મસ્ટંગ કારે સર્જ્યો અકસ્માત, પોલીસે કરી ધરપકડ

અમદાવાદ: બુટલેગરના પૌત્રની મસ્ટંગ કારે સર્જ્યો અકસ્માત, પોલીસે કરી ધરપકડ

અમદાવાદના સી.જી. રોડ પર ગુરુવારે સવારે એક મોંઘીદાટ મસ્ટંગ કાર રોંગસાઈડમાં દોડાવી અકસ્માત સર્જાયો હતો. આ કાર ચલાવી રહેલા આદિત્ય રાઠોડે સામેની કારના ચાલક સાથે મારામારી કરી હતી. આદિત્ય અમદાવાદના જાણીતા બુટલેગર કિશોર લંગડાનો પૌત્ર છે. ફરિયાદ બાદ પોલીસે આદિત્ય રાઠોડ અને તેના મિત્ર વિશ્વરાજ પરમારની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ, આદિત્ય પોતાની અંદાજિત એક કરોડ રૂપિયાની મસ્ટંગ કાર લઈ સી.જી. રોડ પર ખોટી બાજુએ દોડાવી રહ્યો હતો. આ દરમિયાન તેની કાર સામે આવતી બીજી કાર સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ આદિત્યે સામેના ચાલક સાથે ઝઘડો કર્યો અને તેને મારી નાખવાની ધમકી પણ આપી હતી.

અકસ્માત બાદ પીડિત કાર ચાલકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરીને આદિત્ય રાઠોડ અને તેના મિત્રને ઝડપી લીધા છે. ગુરુવારે સવારે પોલીસ આ બંનેને ઘટનાસ્થળે લઈ ગઈ અને ત્યાં અકસ્માતનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું. આ સાથે અકસ્માતમાં વપરાયેલી મસ્ટંગ કાર પણ પોલીસે કબજે કરી છે.

નોંધનીય છે કે આદિત્ય રાઠોડ સામે અગાઉ પણ ઘણા ગુના નોંધાયા છે. તેમાં નવરંગપુરામાં હત્યાનો પ્રયાસ, ગાંધીનગરમાં જોખમી રીતે વાહન ચલાવવું, રાજકોટમાં આર્મ્સ એક્ટ હેઠળનો ગુનો અને બે અકસ્માત સહિત છ ગુનાનો સમાવેશ થાય છે. અગાઉ રાજકોટમાં પણ તે ગેરકાયદે હથિયાર સાથે ઝડપાયો હતો, જ્યાં તેની પાસેથી રિવોલ્વર અને લગઝરી GT મસ્ટંગ કાર મળી આવી હતી.