અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 2027-28ના બજેટ માટે નાગરિકો પાસેથી સૂચનો મંગાવ્યા છે. શહેરીજનો રસ્તા, પાણી, ગટર, સ્ટ્રીટ લાઈટ અને અન્ય વિકાસલક્ષી કામો અંગેના પોતાના અભિપ્રાય amcbudget2728@gmail.com પર 30 ઓક્ટોબર સુધીમાં મોકલી શકશે. મેયર હિતેશ બારોટ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું કે, યોગ્ય સૂચનોનો બજેટમાં સમાવેશ કરાશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વર્ષ 2027-28ના વાર્ષિક બજેટની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવાઈ છે. ફેબ્રુઆરી 2027માં બજેટ રજૂ થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને કોર્પોરેશને લગભગ ચાર મહિના પહેલાં જ આયોજન હાથ ધર્યું છે. બજેટમાં નાગરિકોની જરૂરિયાતો અને તેમના વિસ્તારના પ્રશ્નોને સ્થાન આપી શકાય તે માટે શહેરીજનો પાસેથી સૂચનો મંગાવાયા છે. નાગરિકો 30 ઓક્ટોબર સુધીમાં પોતાના સૂચનો ઈમેલ દ્વારા મોકલી શકશે.
સૂચન મોકલવા માટેની માહિતી અને ઈમેલ સરનામું
આગામી નાણાકીય વર્ષના બજેટને ધ્યાનમાં રાખીને નાગરિકો પોતાના વિસ્તારની પ્રાથમિક સુવિધાઓ અને વિકાસના કામો અંગે અભિપ્રાય આપી શકશે. સૂચનો મોકલતી વખતે નામ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપવાના રહેશે. નાગરિકો amcbudget2728@gmail.com પર પોતાના સૂચનો મોકલી શકશે.
રસ્તા, પાણી અને ગટર સહિતની સુવિધા અંગે સૂચનો મંગાવાયા
કોર્પોરેશન દ્વારા નાગરિકો પાસેથી રસ્તા, પાણી, ગટર, સ્ટ્રીટ લાઈટ, સફાઈ, બાગ-બગીચા અને અન્ય વિકાસલક્ષી કામો અંગે સૂચનો મંગાવાયા છે. નાગરિકો તેમના વિસ્તારમાં કઈ સુવિધાની જરૂરિયાત છે અથવા હાલની વ્યવસ્થામાં ક્યાં સુધારો કરવો જોઈએ તે અંગે રજૂઆત કરી શકશે. એ સૂચનોમાંથી યોગ્ય મુદ્દાને આગામી વર્ષના બજેટ આયોજનમાં ધ્યાનમાં લેવાશે. આ અંગે અમદાવાદના મેયર હિતેશ બારોટ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા દર વર્ષે બજેટ તૈયાર કરતા પહેલાં નાગરિકો પાસેથી સૂચનો મેળવાય છે. લોકોની રજૂઆતોની સમીક્ષા કરીને યોગ્ય મુદ્દાને આગામી બજેટમાં સ્થાન આપવાનો પ્રયાસ કરાશે.
અગાઉના બજેટમાં પણ નાગરિકોના સૂચનોનો કરાયો હતો સમાવેશ
અમદાવાદ કોર્પોરેશન દ્વારા અગાઉ પણ બજેટ માટે નાગરિકો પાસેથી સૂચનો મંગાવાયા હતા. તે સૂચનોમાંથી આશરે 10 ટકા સૂચનોને ગ્રાહ્ય રાખીને બજેટમાં સમાવિષ્ટ કરાયા હોવાનું જણાવાયું હતું. જ્યારે અન્ય સૂચનોમાંથી કેટલાકનો નિકાલ ફરિયાદો અથવા સંબંધિત વિભાગીય કામગીરી દ્વારા કરાયો હતો.
ગત વર્ષે નાગરિકો તરફથી મુખ્યત્વે પાણી, ડ્રેનેજ અને રસ્તાની સુવિધા સુધારવા અંગે રજૂઆતો આવી હતી. આ ઉપરાંત કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, લાઈબ્રેરી, રીડિંગ રૂમ, ગાર્ડન, સ્વિમિંગ પૂલ અને સિનિયર સિટીઝન પાર્ક જેવી સુવિધાઓ ઊભી કરવા અંગે પણ સૂચનો મળ્યા હતા. હવે આગામી બજેટમાં નાગરિકો દ્વારા રજૂ કરાતા સૂચનોમાંથી કયા મુદ્દાઓને પ્રાથમિકતા અપાય છે, તે જોવું મહત્ત્વનું રહેશે.