સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં ચોમાસાનો 100% વરસાદ પૂરો, 28 ડેમ છલોછલ; હજુ 3 દિવસ વરસાદની આગાહી

અમદાવાદમાં ચોમાસાનો 100% વરસાદ પૂરો, 28 ડેમ છલોછલ; હજુ 3 દિવસ વરસાદની આગાહી

અમદાવાદમાં 19મી સપ્ટેમ્બરની સાંજે વાતાવરણમાં પલટો આવ્યો અને અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો. બાકરોલમાં સૌથી વધુ 1.25 ઈંચ વરસાદ નોંધાયો, લાંભામાં પોણા ઈંચ અને અન્ય કેટલાક વિસ્તારોમાં અડધા ઈંચની આસપાસ વરસાદ પડ્યો.

આ વરસાદ સાથે અમદાવાદમાં આ ચોમાસાની સીઝનમાં સરેરાશ 34.85 ઈંચ એટલે કે 100 ટકા વરસાદ પૂરો થઈ ગયો છે. અમદાવાદ જિલ્લામાં પણ સીઝનનો 100 ટકા વરસાદ પૂર્ણ થયો છે; જિલ્લામાં અત્યાર સુધી 28.67 ઈંચ સાથે સરેરાશ 108 ટકા વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

જિલ્લામાં જ્યાં 100 ટકા વરસાદ પૂરો થયો છે તે વિસ્તારોમાં વિરમગામ, માંડલ, ધોળકા, ધંધુકા, દેત્રોજ અને દસક્રોઈનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી થયેલા વરસાદને કારણે જળાશયોમાં જળસ્તરમાં સારો વધારો થયો છે. રાજ્યના 206 જળાશયોમાં સરેરાશ જળસ્તર 69.96 ટકા પહોંચ્યું છે. 43 જળાશયોમાં જળસ્તર 90 ટકાથી વધુ થતાં તેમને હાઈ એલર્ટ હેઠળ રાખવામાં આવ્યા છે, જ્યારે 28 જળાશયો સંપૂર્ણપણે છલોછલ ભરાયા છે.

જળાશયોની સ્થિતિ જોઈએ તો 39 જળાશયોમાં 70થી 100 ટકા વચ્ચે, 25માં 50થી 70 ટકા વચ્ચે અને 41 જળાશયોમાં 25થી 50 ટકા વચ્ચે જળસ્તર નોંધાયું છે. હજુ 73 જળાશયોમાં જળસ્તર 25 ટકાથી નીચું છે.

જિલ્લાવાર વાત કરીએ તો ભાવનગરના પાંચ, અમરેલીના ચાર અને બોટાદ, દાહોદ, નર્મદા, નવસારી તેમજ રાજકોટના બે-બે જળાશયો છલોછલ ભરાયા છે. કચ્છ, મહીસાગર, અરવલ્લી, સુરત, સુરેન્દ્રનગર અને તાપીના 1-1 જળાશય પણ છલોછલ ડેમોમાં સામેલ છે.