સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં સગીરાના પ્રેમ વિવાદમાં 181 અભયમ ટીમે સમજાવી, પરિવારે ફરિયાદ નોંધાવી નહીં

અમદાવાદમાં સગીરાના પ્રેમ વિવાદમાં 181 અભયમ ટીમે સમજાવી, પરિવારે ફરિયાદ નોંધાવી નહીં

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં 17 વર્ષીય સગીરા 26 વર્ષીય ટેમ્પોચાલકના પ્રેમમાં અંધ બની હતી. પરિવારે 181 અભયમ હેલ્પલાઇન પર સંપર્ક કરતાં ટીમે ઘટનાસ્થળે પહોંચી કાઉન્સેલિંગ કર્યું હતું. સગીરાના કપડાંમાંથી છુપાવેલો સ્માર્ટફોન મળી આવ્યો હતો, જેમાં યુવક સાથેના ફોટા-વીડિયો અને હોટેલ રોકાણની વિગતો હતી. પોક્સો એક્ટની ગંભીરતા સમજાવતાં સગીરાએ માફી માંગી હતી અને પરિવારે હાલ ફરિયાદ નોંધાવવાનો ઇનકાર કર્યો હતો.

પિતાએ 181 હેલ્પલાઇન પર કોલ કરીને જણાવ્યું હતું કે તેમની 17 વર્ષીય દીકરી છેલ્લા કેટલાક સમયથી પરિવાર પર અત્યાચાર ગુજારી રહી છે. અભયમની ટીમ ઘરે પહોંચી ત્યારે માતાપિતાએ જણાવ્યું કે સગીરા છેલ્લા 9 મહિનાથી 26 વર્ષીય ટેમ્પોચાલકના સંપર્કમાં છે. તે ઘરે જૂઠ્ઠું બોલીને તેની સાથે ફરવા અને તેના પારિવારિક લગ્નપ્રસંગોમાં જતી હતી. અગાઉ ચાર વખત તેની પાસેથી છુપા મોબાઈલ પકડાયા હતા. પૂછપરછ કરતાં જ તે માતા પર હાથ ઉપાડતી, બૂમાબૂમ કરી ઘરમાં તોડફોડ કરતી અને 'હું આપઘાત કરી લઈશ કે ઘરમાંથી ભાગી જઈશ' તેવી ધમકીઓ આપતી હતી. અગાઉ સ્થાનિક પોલીસ ચોકીમાં પણ અરજી કરાઈ હતી, પરંતુ તેનું વલણ બદલાયું નહોતું.

કાઉન્સિલરે સગીરા સાથે વાતચીત શરૂ કરતાં જ તે ઉશ્કેરાઈ ગઈ હતી અને પોતાને બાથરૂમમાં પૂરી દીધી હતી. ટીમે મહામહેનતે સમજાવીને દરવાજો ખોલાવ્યો હતો. ટીમને શંકા જતાં તપાસ કરતાં સગીરાના કપડાંમાંથી એક છુપાવાયેલો સ્માર્ટફોન મળી આવ્યો હતો. આ દરમિયાન જ સ્ક્રીન પર યુવકના ઉપરાછાપરી ફોન આવી રહ્યા હતા. ફોનની ગેલરી તપાસતાં યુવક સાથેના ફોટા, વીડિયો અને હોટેલ સંબંધિત વિગતો સામે આવતાં સગીરા સ્તબ્ધ થઈ ગઈ હતી.

સગીરા 17 વર્ષની એટલે કે કાયદાકીય રીતે સગીર હોવાથી અને સામેનો યુવક 26 વર્ષનો પુખ્ત હોવાથી અભયમની ટીમે પરિવાર તેમજ સગીરાને પોક્સો એક્ટ અને બાળ સુરક્ષા કાયદાની ગંભીર જોગવાઈઓ અંગે માહિતગાર કર્યા હતા. હોટેલ રોકાણ અને વાંધાજનક સ્થિતિના પુરાવા જોતાં યુવક સામે ગંભીર ફોજદારી ગુનો નોંધાઈ શકે છે અને તેનું ભવિષ્ય જોખમાઈ શકે છે તે વાસ્તવિકતા સમજાવતાં સગીરા ભાંગી પડી હતી. તેણે પોતાના ગુસ્સા અને ગેરવર્તણૂક બદલ માતાપિતાની માફી માગી હતી અને સંબંધોથી દૂર રહેવાની ખાતરી આપી હતી. પરિવારે હાલ કાયદાકીય ફરિયાદ ન નોંધાવી આગળ વિચારણા કરવાનું નક્કી કર્યું હતું.

માતાપિતા સામાન્ય સ્થિતિના હોવા છતાં સગીરા પાસેથી 4-4 વખત સ્માર્ટફોન મળ્યા હતા. પૂછપરછમાં સામે આવ્યું કે 26 વર્ષીય યુવક જ સગીરાને નવા ફોન અને સિમકાર્ડ લાવી આપતો હતો. જ્યારે માતા-પિતાએ સગીરા પાસેથી ફોન પકડ્યો અને લઈ લેતા ત્યારે સગીરા પ્રેમીને આ બાબતે વાત કરતી. પછી પ્રેમી તાત્કાલિક સગીરાને સીમકાર્ડ સાથેનો મોબાઈલ લાવી આપતો હતો. આવી રીતે કુલ 4 વખત મોબાઈલ આપ્યો હતો, જેથી સંપર્ક જળવાઈ રહે.