અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં 15 વર્ષીય સગીરા પર છેડતી કરનારા ત્રણ શખ્સો સામે પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. સગીરાના પિતાએ આ અંગે ફરિયાદ કરતાં ઉશ્કેરાયેલા આરોપીઓએ તેમના પર રસ્તામાં જીવલેણ હુમલો કર્યો હતો.
અમરાઈવાડીમાં રહેતા અને મજૂરીકામ કરતા પિતાની ફરિયાદ મુજબ, તેમની પુત્રી ધોરણ 10માં અભ્યાસ કરે છે. ગત 14 સપ્ટેમ્બરના રોજ બપોરે તે શાળામાંથી છૂટીને ચાલતી ઘરે આવી રહી હતી. તે સમયે પોલીસ લાઈન ગેટ પાસે એક બાઈક પર ત્રણ યુવકો આવ્યા હતા. આમાંથી હર્ષદે સગીરાનો હાથ પકડીને 'મારી સાથે ભાગી જા' કહ્યું હતું, જ્યારે અનુરાગે આંખ મારીને ગંદા ઈશારા કર્યા હતા. આ ત્રણેય શખ્સો અવારનવાર સગીરાનો પીછો કરીને હેરાન કરતા હોવાની હકીકત સગીરાએ તેના પિતાને જણાવી હતી.
ઘટના બાદ પિતાએ આરોપી હર્ષદના પિતાને મળીને તેમના પુત્રને સમજાવવા વિનંતી કરી હતી. તે સમયે હર્ષદના પિતાએ હવેથી પુત્રીને હેરાન નહીં કરવાની ખાતરી આપી હતી. જોકે, ગત 16 સપ્ટેમ્બરના રોજ રાત્રે આશરે 10:30 વાગ્યે પિતા જોગમાયાનગર ગેટ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ત્રણેય આરોપીઓએ તેમને આંતરી લીધા હતા. 'તું કેમ અમારા ઘરે ફરિયાદ કરવા આવ્યો હતો' કહીને આરોપીઓએ તેમને ગડદાપાટુનો માર માર્યો હતો. આ દરમિયાન અનુરાગે માથામાં ફેટ મારતાં પિતા લોહીલુહાણ થઈને ઢળી પડ્યા હતા.
બૂમાબૂમ થતાં આસપાસના લોકો અને પિતાના ભાઈ દોડી આવ્યા હતા, જેથી આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત પિતાને 108 મારફતે એલ.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અમરાઈવાડી પોલીસે સગીરાના પિતાની ફરિયાદના આધારે હર્ષદ રમેશભાઈ, અનુરાગ મનસુખભાઈ અને વિશાલ (તમામ રહે. અમરાઈવાડી) સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.