અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં 15 વર્ષની સગીરાની છેડતી કરતા પડોશી યુવક સામે પોલીસ ફરિયાદ કરવા જતાં તે યુવક અને તેના માતા-પિતાએ સગીરા તથા તેની માતા પર હુમલો કર્યો હતો. આ ઘટના શુક્રવાર, 16 ઓક્ટોબરના રોજ સવારે બની હતી. કાગડાપીઠ પોલીસે પીડિતાની માતાની ફરિયાદના આધારે ત્રણેય સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસ ફરિયાદ મુજબ, બહેરામપુરામાં રહેતી 44 વર્ષીય મહિલા છૂટક મજૂરી કરીને પોતાની બે પુત્રીઓનું ગુજરાન ચલાવે છે. તેમના પતિનું અગાઉ અવસાન થયું છે. તેમના પડોશમાં રહેતો એક યુવક અવારનવાર મોડી રાત્રે તેમના ઘરની બારી ખખડાવીને હેરાન કરતો હતો. વધુમાં, તે મહિલાની 15 વર્ષની સગીર પુત્રીની છેડતી કરીને પજવણી કરતો હતો.
15 ઓક્ટોબરની રાત્રે મહિલાના કુટુંબી દિયરે યુવકને ફોન પર સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ઉશ્કેરાઈ ગયો અને 'હું તો હેરાન કરીશ જ' તેમ કહીને બોલાચાલી કરવા લાગ્યો. આથી પરિવારે પોલીસ મથકે જઈને ફરિયાદ કરવાનું નક્કી કર્યું, પરંતુ સમાજના આગેવાનોએ વચ્ચે પડીને સમજાવટ કરતાં તે સમયે ફરિયાદ ટાળવામાં આવી હતી.
બીજા દિવસે 16 ઓક્ટોબરની સવારે યુવક, તેના પિતા અને માતા એકસંપ થઈને મહિલાના ઘર આગળ પહોંચ્યા હતા. 'તમે કાલે મારા વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરવા કેમ ગયા હતા? તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, મારું કોઈ કંઈ બગાડી નહીં શકે' તેમ કહીને યુવકે ઉશ્કેરણીજનક શબ્દો બોલીને ધમકી આપી હતી. સગીરાએ શાંતિથી રહેવાની વાત કરતાં યુવકે તેના પર હુમલો કરી દીધો હતો. માતા વચ્ચે પડતાં યુવકના માતા-પિતાએ પણ તેનું ઉપરાણું લઈને માતા અને સગીરા બંનેને લાતો-ફેંટોનો માર મારવાનું શરૂ કર્યું હતું. ચાલીના સ્થાનિક રહીશો દોડી આવતાં બંનેનો બચાવ થયો હતો.
આ મામલે કાગડાપીઠ પોલીસે ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.