સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ મેટ્રો ફેઝ-3: પશ્ચિમ અમદાવાદમાં 7 રૂટ પર 43 સ્ટેશન, 58 કિમી નેટવર્ક માટે ટેન્ડર જાહેર

અમદાવાદ મેટ્રો ફેઝ-3: પશ્ચિમ અમદાવાદમાં 7 રૂટ પર 43 સ્ટેશન, 58 કિમી નેટવર્ક માટે ટેન્ડર જાહેર

અમદાવાદમાં મેટ્રો રેલના ફેઝ-3 માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ હેઠળ પશ્ચિમ અમદાવાદના વિવિધ વિસ્તારોને જોડવા માટે 58 કિલોમીટરના નેટવર્ક પર 7 નવા રૂટ અને 43 એલિવેટેડ સ્ટેશનો બનાવવાની યોજના છે.

જીએમઆરસી અનુસાર, થલતેજ ગામથી ગોધાવી, શિલજ સર્કલથી ભદ્રાબાદ, એપીએમસીથી ન્યુ ફેસલનગર, વિશાલનગર વેસ્ટથી બાપુનગર નોર્થ, નારણપુરાથી નહેરુનગર, વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી અરિહંતનગર અને દુધેશ્વરથી વાડજ સુધીના કોરિડોરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ તમામ રૂટ પર 43 એલિવેટેડ સ્ટેશનો બનાવવાનો ઉલ્લેખ પણ ટેન્ડરમાં કરવામાં આવ્યો છે. હાલમાં ફેઝ-3ના વિવિધ ભાગો માટે ડિઝાઇન, સર્વે અને અન્ય પ્રાથમિક કામગીરી માટે દરેક રૂટ માટે અલગ-અલગ ટેન્ડરો જારી કરવામાં આવ્યા છે.

અત્યાર સુધીમાં અમદાવાદમાં મેટ્રો રેલના ફેઝ-1 અને ફેઝ-1ના વિસ્તરણની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, જેના કારણે મધ્ય અને પૂર્વ અમદાવાદ તેમજ ગાંધીનગર મેટ્રો નેટવર્ક સાથે જોડાયેલા છે. હવે ફેઝ-3 દ્વારા પશ્ચિમ અમદાવાદને પણ મેટ્રો સેવા સાથે જોડવાનો લક્ષ્ય છે, જેથી શહેરના પશ્ચિમ વિસ્તારોમાં જાહેર પરિવહનની સુવિધા વધશે અને લોકોને ટ્રાફિકમાંથી રાહત મળશે.