અમદાવાદમાં મેટ્રો સ્ટેશન સુધી પોતાના વાહનથી આવતા મુસાફરોને પાર્કિંગની સમસ્યામાંથી રાહત મળવાની શક્યતા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ શહેરના ત્રણ ઝોનમાં કુલ 9 પ્લોટ ફાળવ્યા છે, જ્યાં એકસાથે 6,149 વાહનો પાર્ક કરી શકાશે.
આ પ્લોટમાં 5,903 ટુ-વ્હીલર અને 246 ફોર-વ્હીલર માટે જગ્યા ઊભી કરવામાં આવશે. પાર્કિંગ માટે કુલ 36,890 ચોરસ મીટર જમીનનો ઉપયોગ થશે. કોર્પોરેશનના આયોજન મુજબ, આગામી બે મહિનામાં એટલે કે દિવાળી પહેલાં આ પાર્કિંગ સ્થળો મુસાફરો માટે ખુલ્લાં મૂકવામાં આવે તેવી શક્યતા છે.
ત્રણ ઝોનમાંથી પૂર્વ ઝોનમાં સૌથી વધુ ચાર પ્લોટ ફાળવવામાં આવ્યા છે. કુલ 19,046 ચોરસ મીટર વિસ્તારમાં આવેલા આ પ્લોટમાં 3,047 ટુ-વ્હીલર અને 127 ફોર-વ્હીલર પાર્ક કરી શકાશે. પૂર્વ ઝોનમાં વસ્ત્રાલ ગામ, નિરાંત ક્રોસ રોડ તેમજ એપરલ પાર્ક મેટ્રો સ્ટેશન નજીકના ખુલ્લા પ્લોટનો સમાવેશ થાય છે.
ઉત્તર-પશ્ચિમ ઝોનમાં થલતેજ વિસ્તારના મેટ્રો સ્ટેશન નજીક બે પ્લોટ ફાળવવામાં આવ્યા છે. કુલ 14,929 ચોરસ મીટર વિસ્તારમાં આવેલા આ બંને પ્લોટમાં 2,389 ટુ-વ્હીલર અને 99 ફોર-વ્હીલર પાર્ક કરી શકાશે. આ બંને પ્લોટ થલતેજ ગામ મેટ્રો સ્ટેશન નજીક કોર્પોરેશનના પ્લોટમાં આવેલા છે.
પશ્ચિમ ઝોનમાં કુલ ત્રણ પ્લોટ પાર્કિંગ માટે ફાળવવામાં આવ્યા છે, જ્યાં 467 ટુ-વ્હીલર અને 20 ફોર-વ્હીલર માટે પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવશે.
કોર્પોરેશનનો મુખ્ય હેતુ મેટ્રો સ્ટેશન સુધી પોતાના વાહનથી આવતા મુસાફરોને નજીકમાં જ પાર્કિંગની જગ્યા ઉપલબ્ધ કરાવવાનો છે, જેથી તેઓ વાહન પાર્ક કરીને મેટ્રો દ્વારા આગળની મુસાફરી કરી શકે. હાલમાં ઘણા મેટ્રો સ્ટેશનોની આસપાસ રસ્તા પર વાહનો પાર્ક થતાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા ઊભી થાય છે, તેને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આ પાર્કિંગ પ્લોટ અંગેની દરખાસ્ત હેઠળ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે, જ્યારે વાહન પાર્કિંગના દર અંગે સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવામાં આવશે. દર નક્કી થયા બાદ પાર્કિંગ શરૂ કરવાની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે.