સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ મેટ્રોના 10 સ્ટેશનો પર હવે પાર્કિંગ ચાર્જ, ટિકિટ કરતાં વધુ ખર્ચ

અમદાવાદ મેટ્રોના 10 સ્ટેશનો પર હવે પાર્કિંગ ચાર્જ, ટિકિટ કરતાં વધુ ખર્ચ

અમદાવાદમાં મેટ્રો સ્ટેશનો પાસે પાર્કિંગની સુવિધા અંગે મુસાફરો માટે મોટા સમાચાર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નવરંગપુરા, સાબરમતી અને વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશનો પાસે અત્યાર સુધી મફત પાર્કિંગ આપવાના બદલે હવે 'પે એન્ડ પાર્કિંગ' શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ પગલાથી દૈનિક મુસાફરોને આર્થિક બોજો પડશે.

શહેરમાં મોટા ભાગના મેટ્રો સ્ટેશનો પાસે પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટેશનો નજીકના ખાલી પ્લોટમાં મફત પાર્કિંગની સુવિધા આપવાના દાવા કરવામાં આવ્યા હતા. જોકે, હવે પાર્કિંગ પ્લોટ તૈયાર થતાં જ વલણ બદલીને વાહનચાલકો પાસેથી ચાર્જ વસૂલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

નવરંગપુરામાં 3, સાબરમતીમાં 3, વસ્ત્રાલમાં 2, એસ.પી. સ્ટેડિયમ પાસે 2 અને રામોલ પાસે 2 મળીને કુલ 10 મેટ્રો સ્ટેશનો નજીક પ્લોટ ફાળવવામાં આવ્યા છે. આ પ્લોટ્સમાં કુલ 3342 ટુ-વ્હીલર અને 200 ફોર-વ્હીલર પાર્ક થઈ શકે તેટલી ક્ષમતા છે. પરંતુ હવે મફત સુવિધા આપવાને બદલે આ તમામ સ્થળોએ 'પે એન્ડ પાર્કિંગ' શરૂ કરવાનો પ્લાન છે.

તંત્ર દ્વારા રૂ. 13,000થી 50,000 જેવા નજીવા માસિક ભાડે આ પ્લોટ્સ કોન્ટ્રાક્ટરોને સોંપવામાં આવશે. જ્યાં કોન્ટ્રાક્ટરો ટુ-વ્હીલર માટે પાંચ રૂપિયાથી પચાસ રૂપિયા સુધી અને ફોર-વ્હીલર માટે રૂ. 15થી 120 સુધીનો ચાર્જ વસૂલશે. મેટ્રોમાં દરરોજ પ્રવાસ કરતા શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગના લોકો સામાન્ય રીતે 8થી 10 કલાક સુધી વાહન પાર્ક કરી રાખતા હોય છે. પરિણામે તેમણે રોજના રૂ. 25થી 70 સુધીનો પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે, જે મેટ્રોના મૂળ ભાડા કરતાં પણ વધી જશે અને મુસાફરોના ખિસ્સા પર સીધો આર્થિક બોજ પડશે.

નાગરિકોને જાહેર પરિવહનનો વધુમાં વધુ ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ પૂરતી સુવિધાઓના અભાવે ઘણા લોકો મેટ્રો રેલમાં મુસાફરી કરવાનું ટાળતા હોય છે. આ નિર્ણયથી મેટ્રોના ઉપયોગ પર અસર પડી શકે છે.