સત્ય. સાહસ. સંકલ્પ.

નવરાત્રિમાં અમદાવાદ મેટ્રો આજથી રાત્રે 2 વાગ્યા સુધી દોડશે, રૂ. 50ની ખાસ ટિકિટ

નવરાત્રિમાં અમદાવાદ મેટ્રો આજથી રાત્રે 2 વાગ્યા સુધી દોડશે, રૂ. 50ની ખાસ ટિકિટ

અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન ગરબા રમવા જતા લોકોની સુવિધા માટે મેટ્રો ટ્રેનનો સમય લંબાવવામાં આવ્યો છે. અમદાવાદ મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)ના નિર્ણય મુજબ, 14 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર સુધી મેટ્રો ટ્રેન રાત્રે 11 વાગ્યાને બદલે મધરાત્રે 2 વાગ્યા સુધી દોડશે.

હાલમાં મેટ્રો સેવા સવારે 6:20થી રાત્રે 11:00 વાગ્યા સુધી ચાલે છે. નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને આ સમય વધારવામાં આવ્યો છે, જેથી મોડી રાત સુધી ગરબા રમતા લોકો અને અન્ય મુસાફરો સરળતાથી ઘરે પરત ફરી શકે.

GMRC દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, અલગ-અલગ રૂટ પર નિયત સમયાંતરે ટ્રેનો દોડશે:

વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ: દર 30 મિનિટે ટ્રેન. વસ્ત્રાલ ગામથી છેલ્લી મેટ્રો રાત્રે 2:00 વાગ્યે ઉપડશે, જ્યારે થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ તરફ છેલ્લી મેટ્રો રાત્રે 2:12 વાગ્યે ઉપડશે. આ રૂટ પર રાત્રે 11:30થી 2:00 વાગ્યા સુધી દર 30 મિનિટે ટ્રેન મળશે.

APMCથી કોટેશ્વર રોડ: દર 30 મિનિટે ટ્રેન. APMCથી છેલ્લી મેટ્રો રાત્રે 2:14 વાગ્યે અને કોટેશ્વર રોડથી APMC તરફ છેલ્લી મેટ્રો રાત્રે 2:07 વાગ્યે ઉપડશે.

APMCથી સેક્ટર-1: દર 60 મિનિટે ટ્રેન. APMCથી છેલ્લી મેટ્રો રાત્રે 12:44 વાગ્યે અને સેક્ટર-1થી APMC તરફ છેલ્લી મેટ્રો રાત્રે 12:38 વાગ્યે ઉપડશે.

લંબાવાયેલા સમય દરમિયાન મુસાફરો માટે રૂ. 50ની સ્પેશિયલ પેપર ટિકિટ ઉપલબ્ધ રહેશે. આ ટિકિટ મેટ્રો સ્ટેશન પરથી મળશે અને તેનો ઉપયોગ માત્ર એક જ મુસાફર કરી શકશે. આ સુવિધાથી લોકોને ખાનગી વાહનો પર નિર્ભર રહેવાની જરૂર નહીં પડે અને રાત્રે ટ્રાફિકની સમસ્યાથી પણ રાહત મળશે.