દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)એ મેટ્રો ટ્રેનોના સમયમાં ફેરફાર કર્યો છે. દિવાળીના દિવસે, એટલે કે 8 નવેમ્બરે સાંજે 7:00 વાગ્યાથી મેટ્રો સેવાઓ બંધ રહેશે.
ફટાકડાના વધુ પડતા ઉપયોગથી મેટ્રો ટ્રેનને સંભવિત નુકસાન ન થાય તે માટે આ વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. કોર્પોરેશને જણાવ્યું છે કે 8 નવેમ્બરે તમામ સ્ટેશનો પરથી ઓપરેટ થતી ટ્રેનોનો સમય ઘટાડવામાં આવ્યો છે.
દિવાળીના દિવસે છેલ્લી ટ્રેનનું સમયપત્રક:
વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ તરફની છેલ્લી મેટ્રો ટ્રેન સાંજે 7:00 કલાકે ઉપડશે. થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ તરફની છેલ્લી ટ્રેન સાંજે 7:05 કલાકે ઉપડશે.
તે જ રીતે APMCથી કોટેશ્વર રોડ તરફની છેલ્લી ટ્રેન સાંજે 7:00 કલાકે અને કોટેશ્વર રોડથી APMC તરફની છેલ્લી ટ્રેન સાંજે 7:05 કલાકે ઉપડશે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ મેટ્રોમાં સામાન્ય દિવસોમાં દરરોજ સરેરાશ 1.53 લાખ મુસાફરો સફર કરે છે. ઓગસ્ટ અને ઓક્ટોબર 2026 દરમિયાન આ દૈનિક સરેરાશ વધીને 1.74 લાખ સુધી પહોંચી હતી. જુલાઈ 2026માં મેટ્રોએ પહેલી વાર એક મહિનામાં 50 લાખથી વધુ (51.12 લાખ) મુસાફરોનો આંકડો પાર કર્યો હતો, જ્યારે ઓગસ્ટ 2026માં અત્યાર સુધીના સૌથી વધુ 54.29 લાખ મુસાફરોએ એક જ મહિનામાં સફર કરી હતી.
મુસાફરોને વિનંતી છે કે તેઓ દિવાળીના દિવસે ઉપડતી છેલ્લી ટ્રેનોનો સમય ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીનું આયોજન કરે.