અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં કાપડ પ્રિન્ટિંગનો વ્યવસાય કરતા વેપારી સાજિદ સોજતવાલા સાથે ગંભીર ઘટના બની છે. સિલાઈકામના બાકી રહેલા માત્ર ₹27 હજાર સામે ₹14 લાખની બળજબરીથી ઉઘરાણી કરવા માટે આઠ શખસોએ તેમનું અપહરણ કરીને તલવાર અને બેઝબોલના દંડાથી હુમલો કર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, 9 ઓક્ટોબરની રાત્રે સાજિદ પોતાની ફેક્ટરી 'સિમરન ફેશન' પરથી એક્ટિવા લઈને જમાલપુરની પથ્થરવાળી મસ્જિદ ખાતે બેસણામાં જવા નીકળ્યા હતા. તે સમયે રોહાન ઉર્ફે રોમાન ઝુલફીકાર શેખ નામનો શખસ ત્યાં આવ્યો અને 'સામે એક ભાઈ બોલાવે છે' કહીને તેમને લઈ ગયો. ત્યાં ઊભેલી બ્લુ કલરની ફોર-વ્હીલરમાંથી ઉતરેલા અજાણ્યા શખસોએ સાજિદનું અપહરણ કરીને ગાડીમાં બેસાડી દીધા અને તેમનો મોબાઈલ ફોન ઝૂંટવીને માર માર્યો.
અપહરણકારો સાજિદને ગોળલીમડા ખાતે આવેલી અલ્માસ શેખની 'ટાઇગર પોઇન્ટ' નામની જગ્યાએ લઈ ગયા. ત્યાં અલ્માસ શેખે તેમને ધમકાવીને કહ્યું કે, "તારે મનીષ મુંજાણીને સિલાઈકામના ₹14 લાખ આપવાના નીકળે છે તે આપી દેજે, નહીં તો તને જોઈ લઈશ." સાજિદે સ્પષ્ટતા કરી કે તેમણે મનીષને માત્ર ₹27 હજાર જ આપવાના થાય છે. આથી ઉશ્કેરાયેલા અલ્માસે ગાળો ભાંડીને બેઝબોલના દંડાથી માર માર્યો.
આ દરમિયાન અન્ય એક અજાણ્યા શખસે તલવારથી હુમલો કરીને સાજિદને ઈજાઓ પહોંચાડી. બહાર ઊભેલા મનીષ મુંજાણીએ પણ અંદર આવીને સાજિદને લાફા મારીને "પૈસા નહીં આપે તો પગ તોડી નાખીશ" તેવી ધમકી આપી. આ દરમિયાન સાજિદના નાના ભાઈઓ અસ્ફાક અને મોહશીન શોધતા શોધતા ત્યાં પહોંચી ગયા, જેથી તમામ આરોપીઓ નાસી છૂટ્યા. ઈજાગ્રસ્ત વેપારીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
આ મામલે સાજિદે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં મનીષ મુંજાણી, અલ્માસ શેખ, અલ્માસની બીજી પત્ની, રોહાન તથા અન્ય અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.