અમદાવાદ-મહેસાણા હાઇવે પર કલોલ પાસે સિંદબાદ હોટેલ નજીક મંગળવારે (22 સપ્ટેમ્બર) સવારે એક ટ્રક પલટી ખાઈને બ્રિજ પરથી નીચે સર્વિસ રોડ પર પડ્યો હતો. બ્રિજ પરથી ટ્રક લટકી પડતાં તેની કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ દુર્ઘટનામાં ટ્રક ડ્રાઇવર ઇજાગ્રસ્ત થયો હતો, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
પ્રાથમિક માહિતી અનુસાર, હાઇવે પર પડેલા ખાડાઓથી બચવા માટે આગળ જઈ રહેલા એક ટ્રકના ડ્રાઇવરે અચાનક બ્રેક મારી દેતાં આ અકસ્માત સર્જાયો હતો. પાછળ આવી રહેલા ટ્રકના ડ્રાઇવરે પોતાના વાહન પરનો કાબૂ ગુમાવ્યો, જેના કારણે ટ્રક પલટી મારીને બ્રિજ પરથી નીચે સર્વિસ રોડ પર પડ્યો હતો.
અકસ્માત વહેલી સવારે બન્યો હોવાથી સર્વિસ રોડ પર વાહનવ્યવહાર પ્રમાણમાં ઓછો હતો. તેને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાને પગલે હાઇવે પર વહેલી સવારથી જ ટ્રાફિકજામ થયો હતો અને વાહનવ્યવહાર ખોરવાયો હતો.
આ અકસ્માતે અમદાવાદ-મહેસાણા હાઇવેની બિસ્માર હાલત તરફ ફરી એકવાર ધ્યાન દોર્યું છે, જ્યાં વાહનચાલકોને અનેક જગ્યાએ ખાડાઓનો સામનો કરવો પડી રહ્યો છે.