સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ ડ્રગ્સ ફેક્ટરી કેસ: આરોપીએ યુટ્યુબ પરથી ડ્રગ્સ બનાવવાનું શીખ્યું, ₹1.5 કરોડનો બંગલો ખરીદવાની આશંકા

અમદાવાદ ડ્રગ્સ ફેક્ટરી કેસ: આરોપીએ યુટ્યુબ પરથી ડ્રગ્સ બનાવવાનું શીખ્યું, ₹1.5 કરોડનો બંગલો ખરીદવાની આશંકા

અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા લબ્બેક પાર્કના બંગલાના ભોંયરામાંથી ઝડપાયેલી MD (મેફેડ્રોન) ડ્રગ્સ બનાવવાની મીની ફેક્ટરીના કેસમાં કોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)એ આરોપી મુદ્દસર પઠાણને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ 17 નવેમ્બરના સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

કોર્ટમાં NCB અને ખાસ સરકારી વકીલ મહેશ પટેલે જણાવ્યું કે, આરોપી જે બંગલામાં રહે છે તેની બજાર કિંમત ₹1.5 કરોડથી વધુ છે. ડ્રગ્સના વેચાણમાંથી થયેલી કાળી કમાણીથી તેણે આ બંગલો ખરીદ્યો હોવાની આશંકા છે. તેથી તેના તમામ નાણાકીય વ્યવહારો અને બેંક ખાતાઓની તપાસ જરૂરી છે.

તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી 2024થી એટલે કે છેલ્લા બે વર્ષથી પોતાના ઘરના ભોંયરામાં ગુપ્ત રીતે MD ડ્રગ્સની લેબોરેટરી ચલાવતો હતો. તેણે પહેલા રાજસ્થાનમાં ડ્રગ્સ બનાવવાની પ્રાથમિક તાલીમ લીધી હતી અને ત્યારબાદ યુટ્યુબ તથા ગૂગલ પર પ્રોસિજર શોધીને ઘરે જ ડ્રગ્સ તૈયાર કરતો હતો. તે મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી રો-મટિરિયલ અને કેમિકલ મંગાવતો હતો.

સરકારી વકીલે કોર્ટને જણાવ્યું કે, આરોપી પોતે પણ MD ડ્રગ્સનો બંધાણી છે અને તે પોતાના 'રતલામ કાફે'માં આવતા યુવાનોને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. દરોડા દરમિયાન તેના ઘરેથી 130 કિલો કેમિકલ અને 26.67 ગ્રામ તૈયાર MD ડ્રગ્સ જપ્ત કરાયું છે, જે ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે.

કરોડો રૂપિયાનું ડ્રગ્સ બનાવવા માટે આરોપીને આર્થિક મદદ કોણે કરી અને આ સિન્ડિકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે, તે જાણવા NCBએ આરોપીના ફોન રેકોર્ડ્સ અને સપ્લાય ચેઇનની ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરી છે.