અમદાવાદના રામોલ વિસ્તારમાં વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વે ટોલ નાકા નજીક પોલીસે લક્ઝરી બસમાંથી 25.30 લાખ રૂપિયાની કિંમતનું MD ડ્રગ્સ ઝડપ્યું છે. ઈન્દોરથી આવેલા 24 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે, જે આ ડ્રગ્સની ડિલિવરી અમદાવાદમાં કરવાનો હતો.
રામોલ પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી કે નડિયાદ તરફથી આવી રહેલી ખાનગી બસમાં એક શખસ નશીલા પદાર્થ સાથે અમદાવાદ આવી રહ્યો છે. પોલીસે ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવી બસને રોડ સાઈડ કરાવી. તપાસ દરમિયાન કન્ડક્ટરની સીટ પાછળ બેઠેલા રિઝવાન ઉર્ફે રિજુ મોહંમદ ફારૂક મનસુરી (ઉં. 24, રહે. ચંદન નગર, ઈન્દોર, મધ્ય પ્રદેશ)ને સામાન સાથે નીચે ઉતારી તપાસ કરવામાં આવી. તેની પાસેના બે પાર્સલમાંથી પ્રથમમાં 11.92 લાખ રૂપિયાનું 397 ગ્રામ 430 મિલિગ્રામ અને બીજામાં 13.38 લાખ રૂપિયાનું 446 ગ્રામ 180 મિલિગ્રામ MD ડ્રગ્સ મળ્યું. કુલ 843 ગ્રામ 610 મિલિગ્રામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો.
પોલીસે ડ્રગ્સ ઉપરાંત મોબાઈલ ફોન, પાવર બેન્ક અને ચાર્જર સહિત કુલ 25.36 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે આ જથ્થો ઈન્દોરના શાનુ પઠાણે મોકલ્યો હતો અને અમદાવાદમાં રિયાઝઅલી નામના શખસને પહોંચાડવાનો હતો. પોલીસે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આરોપીએ કબૂલાત કરી છે કે પોલીસ ટ્રેકિંગથી બચવા માટે તેઓ સામાન્ય કોલ કે વોટ્સએપના બદલે 'ZANGI' નામની એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપનો ઉપયોગ કરતા હતા. ઈન્દોરના શાનુ પઠાણે તેને આ માલ અમદાવાદ પહોંચાડવા આપ્યો હતો અને એક ટ્રીપના 6,000 રૂપિયા કમિશન મળવાના હતા. અમદાવાદમાં ZANGI એપ પર 'patel' નામથી સેવ કરેલા રિયાઝઅલીને આ માલ ડિલિવરી કરવાનો હતો. પોલીસ આ ડ્રગ્સ નેટવર્કની તપાસમાં લાગી છે.