અમદાવાદમાં ગેરકાયદે મેફેડ્રોન (MD) ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી પકડાયા બાદ તપાસમાં આ નેટવર્ક ગુજરાતની બહાર રાજસ્થાન અને મધ્યપ્રદેશ સુધી ફેલાયેલું હોવાનું સામે આવ્યું છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ની અમદાવાદ ઝોનલ યુનિટે આરોપી મુદસ્સરઅહેમદખાન મન્સુરઅહેમદખાન પઠાણની વધુ તપાસ માટે 4 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જેમાં અમદાવાદ (ગ્રામ્ય) કોર્ટે તેને વધુ 3 દિવસના રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો છે.
NCBની ટીમે ચોક્કસ બાતમીના આધારે સરખેજ-ગયાસપુર રોડ પર લબ્બેક પાર્કમાં આવેલા આરોપીના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. મકાનના બેઝમેન્ટમાં ચાલતી ગુપ્ત લેબોરેટરીમાંથી આશરે 800થી 900 ગ્રામ મેફેડ્રોન બની શકે તેટલો કેમિકલનો જથ્થો અને સાધનો જપ્ત કરાયા હતા. ઉપરાંત 26.67 ગ્રામ પ્રવાહી મેફેડ્રોન અને 0.76 ગ્રામ પાવડર સ્વરૂપનું ડ્રગ્સ પણ જપ્ત થયું હતું. 16 નવેમ્બરે NDPS કાયદાની વિવિધ કલમો હેઠળ આરોપીની ધરપકડ કરાઈ હતી અને એક દિવસના રિમાન્ડ મેળવીને પૂછપરછ શરૂ કરાઈ હતી.
પૂછપરછમાં સામે આવેલી વિગતો મુજબ આરોપીએ રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના નૌગાંવ ખાતે જુનૈદ ખાનના પોલ્ટ્રી ફાર્મમાં જુનૈદ સાથે મળીને મેફેડ્રોન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ જ ગામના અકરમ ભાઈ અને શેરદિલ ખાન પણ ડ્રગ્સના ઉત્પાદન અને સપ્લાયમાં સામેલ હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત મધ્યપ્રદેશના મંદસૌરના દાનિશની પણ કેસમાં સંડોવણી ખુલી છે.
તપાસમાં જાણવા મળ્યું કે મુદસ્સર પોતાના અંગત વપરાશ માટે મંદસૌરના દાનિશ પાસેથી મેફેડ્રોન ખરીદતો હતો. આ માટે તે પત્નીના નામે રજિસ્ટર્ડ સિટ્રોન C3 કાર લઈને દાહોદ-મધ્યપ્રદેશ સરહદ અથવા મધ્યપ્રદેશના જાઓરા સુધી જતો હતો અને રોકડ ચૂકવીને ડ્રગ્સની ડિલિવરી મેળવતો હતો. ડ્રગ્સ બનાવવા માટે જરૂરી કેમિકલ્સ તેણે ઓક્ટોબર 2024 દરમિયાન IndiaMART મારફતે અમદાવાદના ઓઢવ અને કઠવાડા વિસ્તારના સપ્લાયર્સ પાસેથી ખરીદ્યા હતા, જ્યારે લેબોરેટરીના કાચના સાધનો ઓઢવ ખાતેની એક પેઢી પાસેથી મેળવ્યા હતા.
હવે NCB આંતરરાજ્ય સપ્લાય ચેઇન શોધી કાઢવા, ફરાર આરોપીઓની ધરપકડ કરવા, કેમિકલ સપ્લાયર્સની ઓળખ કરવા તેમજ ડ્રગ્સના વેચાણની આર્થિક લેવડદેવડ અને બેંક ટ્રાન્ઝેક્શનના પુરાવા એકત્ર કરવા આરોપીની વધુ પૂછપરછ કરશે.