સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં મેટ્રિમોનિયલ છેતરપિંડી: આરોપી કરીમની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી

અમદાવાદમાં મેટ્રિમોનિયલ છેતરપિંડી: આરોપી કરીમની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી

અમદાવાદમાં મેટ્રિમોનિયલ વેબસાઇટ પર 'આદિત્ય પટેલ' નામથી ખોટી ઓળખ બનાવીને મહિલાઓ સાથે છેતરપિંડી કરવાના આરોપસર ધરપકડ થયેલા કરીમ સિપાઈની કાયમી જામીન અરજી અમદાવાદ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. આરોપીનો પૂર્વ ગુનાહિત ઇતિહાસ ધ્યાનમાં લેતાં કોર્ટે આ નિર્ણય કર્યો હોવાનું કેસના દસ્તાવેજોમાં જણાય છે.

પોલીસ ફરિયાદ મુજબ, કરીમ સિપાઈએ મેટ્રિમોનિયલ વેબસાઇટ પર 'આદિત્ય પટેલ' નામે ખાતું ખોલાવ્યું હતું. આ ખોટી ઓળખનો ઉપયોગ કરીને તેણે ફરિયાદી મહિલા સહિત અન્ય મહિલાઓ સાથે વિશ્વાસનો સંબંધ બાંધ્યો હતો. લગ્ન કરવાની ખોટી લાલચ આપીને તેણે મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યો, તેનો વીડિયો બનાવ્યો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને મહિલા પાસેથી ઓનલાઇન અને રોકડ મળીને કુલ રૂપિયા 15,000 પડાવ્યા હોવાનો આરોપ છે.

આ મામલે મહિલાએ અમદાવાદના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું હતું કે આરોપી ઇન્સ્ટાગ્રામ પર પણ આ જ રીતે ખોટું નામ ધારણ કરીને અન્ય મહિલાઓ સાથે મિત્રતા કેળવીને આવા કૃત્યો કરવાની ટેવ ધરાવે છે.

કોર્ટમાં આરોપી તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે તે નિર્દોષ છે અને તેને ખોટી રીતે કેસમાં સંડોવવામાં આવ્યો છે. ફરિયાદ ત્રણ વર્ષના વિલંબ બાદ કરવામાં આવી છે, જે કેસ પર શંકા ઉભી કરે છે. તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને આરોપી હાલ ન્યાયિક કસ્ટડીમાં છે. જામીન મળ્યા બાદ તે નાસી જવાનો નથી અને અદાલતની તમામ શરતો પાલન કરવા તૈયાર છે, એવી દલીલ આરોપી પક્ષે કરી હતી.

સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે રજૂઆત કરી હતી કે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને માહિતી ટેકનોલોજી કાયદા (IT Act)ની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયેલો છે. આ ઉપરાંત તેની સામે બે અન્ય ગુનાઓ પણ નોંધાયેલા છે. તે આ પ્રકારના ગુના કરવાની ટેવ ધરાવતો ગુનેગાર છે અને જામીન પર મુક્ત થશે તો ફરી આવા ગંભીર ગુના આચરી શકે છે. ચાર્જશીટ રજૂ થઈ ગઈ છે અને ગુનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને જામીન અરજી રદ કરવી જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.

બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ એડિશનલ સેશન્સ જજ વી. એ. ધાઘલે નોંધ્યું હતું કે તપાસ અધિકારીનું સોગંદનામું, ચાર્જશીટ, રજૂ થયેલા દસ્તાવેજો અને મૌખિક દલીલોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરતાં આરોપી ઓળખ છુપાવીને મહિલાઓ સાથે છેતરપિંડી, બ્લેકમેલિંગ અને નાણાં પડાવવાની પ્રવૃત્તિમાં ટેવાયેલો હોવાનું જણાય છે. આવા ગંભીર ગુના આચરનારાઓમાં કાયદાનો ભય રહે અને ગુનો કર્યા પછી સરળતાથી જામીન મળી જશે એવી ભાવના ન જાય તે માટે સમાજમાં દાખલો બેસાડવો જરૂરી છે. ગુનાની ગંભીરતા, સજાની જોગવાઈ અને આરોપીનો પૂર્વ ગુનાહિત ઇતિહાસ જોતાં તેને જામીન આપવા ન્યાયોચિત જણાતા નથી, એમ કોર્ટે જણાવ્યું હતું.