સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના માણેકચોકમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટ બાદ આગ, કોઈ જાનહાનિ નહીં

અમદાવાદના માણેકચોકમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટ બાદ આગ, કોઈ જાનહાનિ નહીં

અમદાવાદના ઐતિહાસિક માણેકચોક વિસ્તારમાં આવેલી ઘાંચીની પોળમાં ગુરુવારે મોડી રાત્રે એક ત્રણ માળની વ્યાપારી ઇમારતની છત પર ગેસ સિલિન્ડર વિસ્ફોટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને સ્થાનિક લોકો ડરીને ઘરની બહાર દોડી આવ્યા હતા.

આ ઇમારત સોનાની બનાવટ અને અન્ય વેપાર સાથે સંકળાયેલી પેઢીઓનું કેન્દ્ર છે. પ્રાથમિક તપાસમાં આગનું કારણ એલપીજી ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ હોવાનું સામે આવ્યું છે. જૂના શહેરની સાંકડી શેરીઓ અને ગીચ વસ્તીને કારણે ફાયર બ્રિગેડના વાહનો અને એમ્બ્યુલન્સને ઘટનાસ્થળ સુધી પહોંચવામાં મુશ્કેલી પડી હતી.

સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડની છ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર અધિકારીઓની તપાસમાં બિલ્ડિંગની છત પર કુલ ત્રણ ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા, જેમાંથી માત્ર એકમાં જ આગ લાગી હતી. સદનસીબે બાકીના બે સિલિન્ડર સુરક્ષિત રહ્યા હતા, જેના કારણે મોટો વિસ્ફોટ ટળ્યો હતો.

આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા સંયુક્ત તપાસ શરૂ કરવામાં આવી છે. આગ લાગવાના ચોક્કસ કારણો અને ઇમારતમાં સુરક્ષાના નિયમોનું પાલન થતું હતું કે નહીં તેની તપાસ ચાલી રહી છે.