સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: મકરબા ઓવરબ્રિજના લોકાર્પણના પહેલા દિવસે જ ભારે ટ્રાફિક જામ, ડિઝાઇન પર સવાલ

અમદાવાદ: મકરબા ઓવરબ્રિજના લોકાર્પણના પહેલા દિવસે જ ભારે ટ્રાફિક જામ, ડિઝાઇન પર સવાલ

અમદાવાદના મકરબા ખાતે અમદાવાદ-બોટાદ રેલવે લાઇન પર નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ 24 સપ્ટેમ્બર, 2026ના રોજ મુખ્યમંત્રીના હસ્તે થયું. સરખેજ-જુહાપુરાથી SG હાઇવે તરફ જવા-આવવા માટે આ બ્રિજને મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે. પરંતુ ઉદ્ઘાટનના પ્રથમ દિવસે જ સાંજે આ વિસ્તારમાં ભારે ચક્કાજામ સર્જાયો, જેમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ જવાની ઘટના સામે આવી છે.

સ્થાનિકો અને વાહનચાલકોના જણાવ્યા અનુસાર, બ્રિજનો એક છેડો સીધો કોર્પોરેટ રોડ પર ઉતરે છે. બ્રિજ પૂરો થયા પછી 10 મીટરનું પણ માર્જિન કે પૂરતી જગ્યા રાખવામાં આવી નથી. આથી બ્રિજ પરથી આવતા વાહનો સીધા સાંકડા રોડ પર ભેગા થઈ જતાં પ્રથમ દિવસે જ ટ્રાફિક જામની ગંભીર સમસ્યા ઊભી થઈ. આ જામમાં સામાન્ય વાહનો સાથે એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી.

લોકાર્પણ સમયે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, "આજે રીલનો જમાનો છે. અત્યારે તકલીફ કોઈને પડે તો તમારી રીલ મૂકી દેશે, પણ હંમેશા પોઝિટિવ રહેવું જોઈએ." સાંજે ટ્રાફિક જામ સર્જાયા બાદ સ્થાનિકોએ તંત્રના આયોજન અને ડિઝાઇન સામે રોષ વ્યક્ત કર્યો છે.

ઉલ્લેખનીય છે કે આ બ્રિજનું કામ શરૂ થયું ત્યારથી જ વિવાદોમાં રહ્યું છે. કામગીરી દરમિયાન અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન તૂટી જવાથી કામ લાંબો સમય ખોરવાયું હતું. આ ઉપરાંત, બ્રિજ વિભાગને યુટિલિટી માટે આપવામાં આવેલા સત્તાવાર નકશા કરતાં વધુ અંડરગ્રાઉન્ડ લાઇનો મળી આવતાં પિલરની મૂળ ડિઝાઇનમાં પણ ફેરફાર કરવો પડ્યો હતો.

હાલમાં આ બ્રિજના લોકાર્પણ બાદ તંત્ર માટે એક બાજુ રાહત છે, તો બીજી બાજુ કોર્પોરેટ રોડ પર ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ છે. આ ઘટનાએ બ્રિજના પ્લાનિંગ, ડિઝાઇન અને એન્જિનિયરિંગની નબળાઈઓ છતી કરી છે.