અમદાવાદના નવનિર્મિત મકરબા રેલવે ઓવરબ્રિજ પરથી ગુરુવારે (1 ઓક્ટોબર) બપોરે એક વ્યક્તિએ છલાંગ લગાવીને આત્મહત્યા કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ આ ઘટના બપોરે લગભગ 3 વાગ્યાના સુમારે બની હતી.
ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો, જેમાં પીઆઈ પણ સામેલ હતા, તરત જ સ્થળ પર પહોંચી ગયો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.
પ્રાથમિક માહિતી મુજબ, મૃતક મકરબા વિસ્તારનો સ્થાનિક રહીશ હતો અને બ્રિજ નજીક આવેલી સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. પોલીસે મૃતકની વિધિવત ઓળખ કરવા સહિતની તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, લાંબા સમયની રાહ બાદ 24 સપ્ટેમ્બરે અમદાવાદ-બોટાદ રેલવે લાઈન પર એચ.સી.-24 ક્રોસિંગ નજીક રૂ. 98.60 કરોડના ખર્ચે તૈયાર થયેલા મકરબા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મકરબા અને વેજલપુરને કોર્પોરેટ રોડ તથા એસ.જી. હાઈવે સાથે જોડતા આ બ્રિજના ઉદ્ઘાટનના એક જ અઠવાડિયામાં આ કરૂણ બનાવ બન્યો છે.
જો કે, શરૂઆતથી જ કોર્પોરેટ રોડ તરફના છેડે સર્જાતા ભારે ટ્રાફિક જામને કારણે આ ઓવરબ્રિજ સતત વિવાદમાં રહ્યો છે.