અમદાવાદના મકરબા ઓવરબ્રિજ પર આજે (1 ઓક્ટોબર) કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ટ્રાફિક જામ અને વાહનચાલકોને પડતી હાલાકી મુદ્દે કોંગ્રેસે બ્રિજના ખૂણે બેસણું યોજ્યું હતું.
આ ઓવરબ્રિજ મકરબાથી કોર્પોરેટ રોડ તરફ આવે છે. બ્રિજ શરૂ થયા પછી ભારે ટ્રાફિક જામની સમસ્યા સતત વિવાદમાં છે. કોર્પોરેટ રોડ પર કેપ્સુલ સિસ્ટમ લાગુ કરાતાં વાહનચાલકોને 200 મીટરનો ચક્કર મારવો પડે છે.
વિરોધ દરમિયાન કોંગ્રેસ કાર્યકરોએ કહ્યું કે, 'ભારતીય જનતા પાર્ટીએ જનતાના મહેનતના પૈસા વેડફી મકરબા બ્રિજનું મૃત્યુ કર્યું છે. એનો શોક મનાવવા અમે અહીં બેઠા છીએ.'
કાર્યકરોએ બ્રિજની ડિઝાઇનમાં અનેક ખામી હોવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે બ્રિજ બે વર્ષની જગ્યાએ ચાર વર્ષે બન્યો. 70 કરોડમાં પાસ થયેલું ટેન્ડર 98.60 કરોડ સુધી પહોંચ્યું. પેનલ્ટી લગાવવાને બદલે કંપનીને 28 કરોડનો વધારો આપવામાં આવ્યો. જે કંપની બ્લેકલિસ્ટ થઈ ચૂકી હતી તેને આ કામ સોંપાયું. કંપનીએ 2022-23માં ભાજપને ચૂંટણી ફંડ પણ આપ્યું હોવાનો આક્ષેપ કરાયો.
કોંગ્રેસે કાર્યવાહીની માંગ કરતાં પૂછ્યું કે, 'આ કંપનીને ટેન્ડર પાસ કરવામાં કોનો હાથ હતો? બજેટ વધારાને મંજૂરી કોણે આપી? બેને બદલે ચાર વર્ષ થયા ત્યારે પ્રજાને પડેલી તકલીફ માટે કોર્પોરેશને કંપની પર દંડ કર્યો છે કે નહીં?'
કાર્યકરોએ કહ્યું કે, 'આ પ્રસૂતિની પીડા નહીં, ગર્ભપાત જ થઈ ગયો છે.' તેમણે ઉમેર્યું કે ટેકનિકલ સમસ્યાઓ કોર્પોરેશન સમક્ષ વારંવાર મૂકાઈ હતી અને રહીશોએ પણ વિરોધ કર્યો હતો. ત્યારે ધારાસભ્યએ કહ્યું હતું કે આ પ્રસૂતિની પીડા છે, પતી જશે પછી આનંદ થશે.
કેપ્સુલ સિસ્ટમ અંગે કાર્યકરોએ કહ્યું કે, 'જો પહેલાથી કેપ્સુલ સિસ્ટમ લગાવવી હતી તો ડિઝાઇન એ પ્રમાણે બનાવવી જોઈતી હતી. ડિઝાઇનમાં ફોલ્ટ નીકળ્યો અને અકસ્માત થયા પછી તાત્કાલિક કેપ્સુલ સિસ્ટમ લાદવામાં આવી. આ તમારી ટેકનિકલ ભૂલ છે.'